Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

જુનાગઢમાં આણંદ કૃષિ યુનિ.ની સંશોધિત ડેરી આઇટમનું પ્રદર્શન

 જૂનાગઢ : આણંદની કૃષિ યુનિ.ના ડેરી સાયન્સ વિભાગના તજજ્ઞોએ પોષણના તત્વોને ધ્યાનમાં રાખીને વેસ્ટમાંથી બેસ્ટ અને બધા જ પરિવારોને આર્થિક રીતે પરવડે તેવી ગુણકારી અને સ્વાદિષ્ટ આઇટમ પર સંશોધન કરીને વેરાયટી બહાર પાડી છે. આ ખાધ વેરાયટીને માન્યતા મળતા હવે બજારમાં આ નવી વેરાયટી જોવા મળશે.  સરગવો ખુબ જ ગુણકારી છે પરંતુ  કેટલાક બાળકોને તેનો સ્વાદ ગમતો નથી આ બાબતને ધ્યાનમાં રાખીને ડેરી તજજ્ઞોએ દૂધ મિશ્રિત તેની લસ્સી બનાવી છે. તેમાં સૌથી વધું વિટામીનનો સંગ્રહ છે. જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે વિવિધ સંશોધન અને જાતો તેમજ ડેરી પ્રોડકટને માન્યતા આપવાના સેમીનારમાં આણંદની કૃષિ યુનિ.ની ડેરી આઇટમ  આકર્ષણનું કેન્દ્ર બની  હતી. સરગવાની લસ્સીના સર્વેના પણ સારા રિવ્યુ આવ્યા હતા.  ડેરી સાયન્સ વિભાગના ચેતનભાઇ ધારૈયાએ જણાવ્યું હતું કે, સરગવાની લસ્સી ઉપરાંત ગાજર અને આમળાના બીસ્કીટ પણ નવી આઇટમ તરીકે મુકવામાં આવી છે. ગાજર અને આમળામાંથી રસ નિકળ્યા પછી લોકો તેના છોલને ફેંકી દે છે. આ છોલમાં ઘણા શરીર ઉપયોગી તત્વો અને મીનરલ જોવા મળતા તેમાંથી બેસ્ટ બિસ્કીટ બનાવવાનો પ્રયોગ સફળ બન્યો છે. મેંદાના બિસ્કીટની સરખામણીએ આ બિસ્કીટ ખુબજ સ્વાદિષ્ટ છે એટલુ જ નહીં ગુણકારી પણ છે. ડાયાબીટીસના દર્દીઓ ખાઇ શકે તેવા સુગર ફ્રી બિસ્કીટ પણ બનશે. આ બિસ્કીટના પેકેટ આજે પ્રદશર્નમાં ખુબ જ આકર્ષિત રહયા હતા.  પપૈયા ઝાડ પર માત્ર એક ફુટ નીચેથી જ તૈયાર થાય છે. પપૈયાનું ઉત્પાદન અન્ય જાત કરતા ૫૯ ટકા વધું  આવશે.૨૩૨ દિવસનો પાક રહેશે. જૂનાગઢ કૃષિ એ વધારે મીઠાશ વાળા આ પપૈયાનું વાવેતર કરવા ખેડૂતોને ભલામણ કરી છે. કૃષિ યુનિવર્સિટીએ ઘઉંની નવી જાત(પ્રકાર) જી.જે.ડબલ્યુ.૪૬૩ બહાર પાડી છે. આ પાક ૧૦૩ થી ૧૨૪દિવસમાં તૈયાર થશે અને તેનું ઉત્પાદન ૪૯ થી ૫૮ કવીન્ટલ પ્રતિ હેકટરે થશે. આ જાત(પ્રકાર)માં ગેરૂ રોગ સામે સૌથી વધુ પ્રતિકારશકિત છે તેથી ખેડૂતોને ફાયદો થશે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(3:57 pm IST)