Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

વાત સાંભળશો ?...મિલ્કતો કબ્જે લેતા પહેલા આસામીની 'પરિસ્થિતિ' જાણો

મંદીના ભરડામાં દુકાનો સીલ થાય તો આવકનો સ્તોત્ર ખોરવાઇ જાય... : જામનગરના કલ્પેશ આશાણી દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ અગ્ર સચિવને રજૂઆત

જામનગર તા.૪ : વર્તમાન સમયમાં મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાથી બાકીદારોની મિલ્કતો કબ્જે લેતા પહેલા એની આર્થિક પરિસ્થિતિ વિશે જાણવા મુદ્દે શહેર એનસીપીના કન્વીનર કલ્પેશ આશાણી દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્રસચિવને રજૂઆત કરાઇ છે.

જેમાં જણાવાયુ છે કે, બંધારણ મુજબ અરજદારને સાંભળવાની તક આપ્યા બાદ ટેકસ ઓફિસર અરજદારની સમસ્યાને અનુરૂપ રજૂઆત ધ્યાને લઇ મિલ્કત વેરો વસુલી શકે છે, નહી કે મિલ્કતને સિલ કરીને અરજદારની રજૂઆત ધ્યાને લીધા વિના એકતરફી આદેશ. ટેક્ષ ઓફિસ કાયદેસરની સત્તા છે પણ કરદાતાને સાંભળવાનીય ફરજ છે. માત્ર વેરો ઉઘરાવવાની ફરજ નથી સાથે કરદાતાને ન્યાય મળે તે જોવાની ફરજ છે. જે સદંતર બંધ કરાવી મિલ્કત ધારકોની એક સ્થળે ભેગા કરી જાહેરમાં સાંભળવા જોઇએ. ત્યારબાદ જ ઉચિત નિર્ણય લેવો જોઇએ.

વધુમાં ઉમેર્યુ હતુ કે, હાલના નોટબંધી અને જી.એસ.ટી કાયદાઓ આવતા આર્થિક વિકાસ દર ઘટી ગયેલ છે. જેની સીધી અસર ધંધા રોજગાર ઉપર પડતા જ ધંધામાં મંદી પ્રવર્તે છે ત્યારે આવી પરિસ્થિતિમાં વેપારીની દુકાનો સીલ થાય તો તેમની આવકનો સ્તોત્ર ખોરવાઇ જાય પછી દુકાનદારો મિલકતવેરો હપ્તે પણ ન ભરી શકે તેવી સ્થિતિ ઉદભવે છે. ઘણા કિસ્સામાં તો ના છુટકે આત્મહત્યા કરી લેવાનું પણ વિચારી લેતા હોય છે, તો આ મામલે સત્વરે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે.(૪૫.૫)

(1:04 pm IST)