Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

૭મીએ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિતે...

જામનગર જિલ્લામાં 'સ્વચ્છતા સે સિદ્ધિ' થીમ હેઠળ પખવાડીયામાં વિવિધ કાર્યક્રમો

આરોગ્ય કેન્દ્રો, ગ્રામ્ય લેવલે સ્વચ્છતા ઓડીટમાં ચકાસણી પણ થશે

જામનગર, તા. ૪ :. જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગદર્શન તળે 'સ્વચ્છતા સે સિદ્ધિ' થીમ હેઠળ સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે. જેમા તમામ આરોગ્ય કેન્દ્રોની સફાઈ, બાયોમેડીકલ વેસ્ટનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ, સ્વચ્છતા શપથ, શાળામાં સ્વચ્છતા જાગૃતિ, શ્રમદાન દ્વારા ગ્રામ સ્વચ્છતા વગેરે કાર્યક્રમો ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવામાં આવશે. ૭ એપ્રિલના વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી દરમિયાન 'થ્રી એચ' એટલે કે હેલ્થી વર્તણુક, હેલ્થી ટેવ, હેલ્થી જીવનશૈલી દ્વારા નિરોગી જીવન માટે લોકોમાં જાગૃતિ લાવવા અવેરનેશ કેમ્પેઈન કરવામાં આવશે.

ઉપરાંત આરોગ્ય કેન્દ્રોમાં રકતદાન કેમ્પ તથા નિદાન કેમ્પો યોજવામાં આવશે અને સ્વચ્છતા પખવાડીયા દરમિયાન 'સ્વચ્છતા ઓડીટ' દ્વારા આરોગ્ય કેન્દ્રો અને ગ્રામ્ય લેવલે ચકાસણી પણ કરવામાં આવશે.

કાયમી ધોરણે સ્વચ્છતા જળવાય તે માટે અન્ય સરકારી સંસ્થાઓ, ખાનગી શાળાઓ, પ્રાઈવેટ હોસ્પીટલો, ખાનગી સંસ્થાઓ તેમજ દરેક જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાય અને 'સ્વચ્છતા સે સિદ્ધિ' સૂત્ર દરેકના જીવનમાં સાર્થક થાય તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. જે. પંડયા દ્વારા તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, લોક આગેવાનો અને જાહેર જનતાને સહયોગ આપવા યાદીમાં અનુરોધ કરાયો છે.(૨-૧૦)

(1:04 pm IST)