Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ભાણવડમાં બનતા સીસી રોડમાં લોટ-પાણી ને લાકડા

અધિકારીઓ નિષ્પક્ષ તપાસ ન કરે ત્યાં સુધી કામ ન કરવા વિપક્ષની રજુઆત : લાભાલાભની આંતરિક લડાઇમાં પ્રજાનો મરો

ભાણવડ,તા.૪: ભાણવડના સીસી રોડના કામોના પેટા કોન્ટ્રાકટ રાખી સતાધિશો-હોદેદારો દ્વારા જ કરવામાં આવતા નબળા અને તકલાદી કામોને અટકાવી જયાં સુધી ઉચ્ચ અધિકારીઓ કે થર્ડ પાર્ટી દ્વારા આ કામોનું નિરિક્ષણ કરવામાં ન આવે ત્યાં સુધી આગળ શરૂ કરવા ન દેવા મુજબની રજુઆત ચિફ ઓફિસરને કરી રજુઆતની નકલ કલેકટરને રવાના કરેલ છે.

 

ભાણવડ નગરપાલીકાના વિરોધપક્ષના નેતા ભરતભાઇ વારોતરીયાએ કોંગ્રેસના સદસ્યો ઇમરાન ગઢકાઇ,મનિષાબેન મનસુખભાઇ કદાવલા,ભાવનાબેન કિશનભાઇ કરમુર સહિતના કોંગ્રેસના સદસ્યો સાથે ચિફ ઓફિસરને લેખીત આપી રોડના કામો એસ્ટીમેન્ટ મુજબ કરવામા નહિ આવતા હોવાના પુરાવાઓ આપી જણાવ્યું  હતુ કે, રોડના કામમાં વાપરવામાં આવતી રેતી સ્થાનિક નદીઓની હલકી ગુણવતાની છે અને સિમેન્ટ સાથે મિશ્રણ કરતાં સિમેન્ટ ખુબ વાપરવામાં આવી રહયો હોય એવું દેખાય છેે પરંતુ હકિકત એ છે કે,લોકોની આંખમાં ધુળ ઝોંકી આ નબળી ગુણવતાની રેતીને કારણે મિકસરના ગોળામાં એસ્ટીમેન્ટ મુજબની નાખવાની થતી સિમેન્ટ કરતા અડધધી સિમેન્ટ વાપરવામાં આવી રહી છે જેમ કે, પીસીસી માટે એક ગોળામાં પાલીકા ઓવરશીયર કમ એન્જીનિયર નકુમના જણાવ્યા મુજબ ૧૧ જેવી સિમન્ટની થેલી નાખવાની હોય છે પરંતુ વિપક્ષોએ કોન્ટ્રાકટરના પ્લાન્ટ પર જઇ હકિકત મેળવતા જાણવા મળ્યું હતુ કે, પીસીસીના મિકસીંગમાં ૨૨ થેલીને બદલે ૧૨ થેલી સીમેન્ટ જ નાખવામાં આવી રહયો હતો. પરંતુ રેતી ધુળ વાળી વાપરવામાં આવતી હોઇ સિમેન્ટનું પ્રમાણ વધુ હોય એવો આભાસ કરાવવામાં આવે છે.

વિપક્ષી સદસ્યોએ ફરીયાદ કરતા જણાવ્યું હતુ કે, કોન્ટ્રાકટરોના પ્લાન્ટ પર  દેખરેખ માટે પાલીકાના કોઇ કર્મચારીને મુકવામાં આવેલ નથી તો સાઇટ પર પણ સરકારી અધિકારીઓ સુપરવિઝન કરતા ન હોઇ ગોબાચારી આચરી રહયા છે જે અંગે આંખ આડા કાન કરી રહયા હોઇ જયાં સુધી ઉચ્ચ અધિકારી કે થર્ડ પાર્ટી દ્વારા આ થઇ રહેલા કામનું સંપૂર્ણ નિષ્પક્ષ નિરિક્ષણ કરવામાં આવે ત્યાં સુધી આગળ કામો કરવા દેવા નહિ એવી માંગણી કરવામાં આવી છે.

આ જોતા ફરી પાછા અનેક સોસાયટીઓના કામો ટલ્લે ચડશે અને લાભાલાભના લોભે ત્રણ-ત્રણ મહિનાથી વિકાસ રોડનું કામ શરૂ થઇ શકયું ન હતુ તે રીતે અન્ય વિસ્તારોની હાલત પણ એવી થશે. વિપક્ષોએ પ્રજાહિતમાં કામો બંધ તો કરાવ્યા છે પરંતુ અધિકારીઓ કેટલી ઝડપથી આ કામોનું નિરિક્ષણ કરી એસ્ટીમેન્ટ અને નિયમ મુજબ કામો કરાવવાની હિંમત કરે છે કે નહિ તે જોવાનું રહયું. કારણકે, રાજકોટ સ્થિત કોન્ટ્રાકટર એજન્સીઓ ઓમ કન્સ્ટ્રકશન અનેભુપતાણી એસોસીએટસ તેમજ હિન્દુસ્તાન પ્રોજેકટ લી. પાસેથી સ્થાનિકોએ પેટા કોન્ટ્રાકટ મેળવી રાજકિય ઓથ હેઠળ પ્રજાની આંખમાં ધુળ ઝોંકી અગાઉના કામોની જેમ જ લોટ-પાણી ને લાકડા જેવા કામો આદરી દીધા છે.(૧.૭)

(1:03 pm IST)