Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

પીપાવાવ શીપયાર્ડ સામે બાકી રકમ માટે ૨૦૦ કોન્ટ્રાકટરો દ્વારા આત્મવિલોપનની ચીમકી

અમરેલી તા. ૪ : પીપાવાવ શીપયાર્ડમાં લેબર કોન્ટ્રાક્ટરોની કરોડો રુપિયાની બાકી રકમ મુદ્દે ચાલી રહેલા આંદોલન અંતર્ગત લાંબા સમયના ઉપવાસ બાદ પણ કોઈ જ પગલા ન લેવાતા ૧૦મીએ ર૦૦ જેટલા કોન્ટ્રાક્ટરો દ્વારા સામૂહિક રીતે આત્મ વિલોપન કરવાની ચીમકી આપવામાં આવી છે. જેના પગલે ખળભળાટ મચી ગયો છે.પીપાવાવ શીપયાર્ડમાં લેબર કોન્ટ્રાક્ટરોને ૭૦ કરોડથી પણ વધુની રકમ લાંબા સમયથી ચૂકવવાની બાકી છે. અગાઉ પણ આ મુદ્દે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ બાકી રકમ ન ચૂકવાતા ફરી આંદોલન ચાલી રહ્યું છે જેને ઘણા દિવસો વિતી ગયા હોવા છતાં પણ હજુ સુધી રકમ ન ચૂકવાતા હવે આંદોલન ઉગ્ર રુપ ધારણ કરી રહ્યું છે. આ મુદ્દે આંદોલનકારીઓના નેતા પ્રવિણ રામ દ્વારા રાજુલાના પ્રાંત અધિકારીને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે પીપાવાવ શીપયાર્ડ ચલાવતી રિલાયન્સ નેવલ કંપની દ્વારા નાના માણસોનું શોષણ કરીને લેબરો અને કોન્ટ્રાક્ટરોની કરોડો રુપિયાની બાકી રકમ ચૂકવવામાં આવતી નથી. ન્યાય મેળવવા માટે કોન્ટ્રાક્ટરો છેલ્લા ૧૮ દિવસોથી આંદોલન ચલાવી રહ્યા છે. કંપની દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવાના બદલે હવે તો ગેટ આગળ બેસવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ કારણે કામદાર કોન્ટ્રાક્ટરો પાસે બીજો કોઈ જ વિકલ્પ બાકી રહ્યો ન હોવાથી જો તા.૯ એપ્રિલને સોમવાર સુધીમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તા.૧૦ના રોજ પીપાવાવ શિપયાર્ડના ગેટ પાસે ર૦૦થી વધું કોન્ટ્રાક્ટરો, કામદારો, વેપારીઓ દ્વારા સામૂહિક રીતે આત્મવિલોપન કરવામાં આવશે. આ જાહેરાતના પગલે ખળભળાટ મચી ગયો છે.

સળગી જતા સોલંકીનું મોત

અમરેલી બહારપરા વિસ્તારમાં રહેતા કાળુભાઇ ભગુભાઇ સોલંકી છેલ્લા બે વર્ષથી માનસીક બીમાર રહેતા હોય બીમારીના કારણે કંટાળી જઇ પોતે પોતાની મેળે શરીરે કેરોસીન છાંટી સળગી જતા મૃત્યુ પામ્યાનું અમરેલી સીટી પોલીસમાં રાજુભાઇ સોલંકીએ જાહેર કરેલ છે.(૨૧.૨૪)

(1:02 pm IST)