Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ધાર્મિક સ્થળોથી સંસ્કારોનું ઘડતર થાય છે અને માનવ જીવન ધર્મથી જ ચાલે છેઃ જુનાગઢના દાત્રાણામાં ગોપીનાથ મહાદેવ મંદિરનો ભવ્ય પાટોત્સવ ધામધુમથી ઉજવાયો

નુતન મંદિર હમેંશા સમાજસેવાનું માધ્યમ બની રહેશે-સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઇ વઘાસિયા : જયેશભાઇ રાદડિયા, પરેશભાઇ ગજેરા, હર્ષદભાઇ રિબડીયાની ઉપસ્થિતિઃ રાધેકૃષ્ણ ગોપી મહિલા મંડળે વહેતો કરેલો વિચાર સર્વવ્યાપી બનાવવા દાત્રાણાના ગ્રામજનોનો નિર્ધારઃ

જુનાગઢ તા. ૪ : મહાત્મા ગાંધીજીના મોસાળ તરીકે ઓળખાતા અને લેઉવા પટેલ સમાજના સમુહલગ્નના માધ્યમથી સેંકડો દીકરીઓના જયાં લગ્ન થયા છેતેવી પવિત્ર ભૂમિ દાત્રાણામાં નવનિર્માણ પામેલા ગોપીનાથ મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં ભવ્ય રીતે અને ધામધુમથી ઉજવાયો હતો આ પ્રસંગે હાજર રહેલા આગેવાનોએ સમાજસેવાની આ પ્રવૃતિ બિરદાવતા મંદિરનો વિચાર વહેતો કરનાર રાધેકૃષ્ણ ગાંધી મહિલા મંડળને અભિનંદન પાઠવ્યા હતા.

જુનાગઢ જિલ્લાના  મેંદરડા તાલુકાના દાત્રાણા ગામ ખાતે સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઇ વઘાસિયા પરિવારના સહયોગથી રાધેકૃષ્ણ ગોપી મહિલા મંડળના ઉપક્રમે તૈયાર થયેલા વિશાળ અને ભવ્ય ગોપીનાથ મહાદેવ મંદિરનો પ્રાણપ્તિષ્ઠા મહોત્સવ તાજેતરમાં ઉજવાયો હતો. પ્રથમ દિવસે જલયાત્રા અને સાંજે ભજન, બીજા દિવસે શિવપંચાયતની નગરયાત્રા અને સાંજે હાસ્ય કાર્યક્રમ તથા દાંડિયા રાસ તેમજ અંતિમ દિવસે વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે શિવજી તેમજ અન્ય દેવી-દેવતાઓની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મહોત્સવ દરમિયાન સમસ્ત ગ્રામજનો માટે ધુવાડવાબંધ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં આશરે આઠથી દશ હજાર શ્રધ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, આવા ધાર્મિક સ્થળોથી જ સંસ્કારોનું ઘડતર થાય છે. માનવ જીવન ધર્મથી ચાલે છે. આજની યુવા પેઢીમાં વડીલોની માન-મર્યાદા જળવાય તેવા સંસ્કારોનું ઘડતર કરવા ઉપરા તેમણે ભાર ભુકયો હતો જયારે સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મગૌરવના પ્રતિક ખોડલધામ કાગવડના યુવા પ્રમુખ પરેશભાઇ ગજેરાએ કહ્યું હતું કે શિવજીનું નામ લેવા માત્રથી તમામ પાપ દુર થાય છે. દાત્રાણામાં બનેલું આ શિવમંદિર ભવ્ય છે. ધર્મના માધ્યથી અહી કાયમી અવિરત સમાજસેવાના કાર્યો થતા રહે તેવી અપીલ તેમણે કરી હતી જયારે ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ ખુશી વ્યકત કરતા કહ્યું હતું કે આજનું આધુનિક વિજ્ઞાન ભારતના ધર્મગ્રંથોમાંથી જ પ્રેરણા લઇને ચાલી રહ્યું છે.આણો દેશ ભાવનાઓ સાથે જોડાયેલો છે.

આ પ્રસંગે પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતીના ચેરમેન શારદાબેન ગોવિંદભાઇ સવસાણી, જિલ્લા પંચાયતના સભ્ય ભારતીબેન ધીરૂભાઇ કુંભાણી, એસ.ટી. બોર્ડના ડાયરેકટર વિનુભાઇ કથીરીયા, જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના શારદાબેન ગાજીપરા, જયશ્રીબેન વેકરીયા, રૂપલબેન વઘાસીયા, અગ્રણી ઉદ્યોગપતિ જેન્તીભાઇ વઘાસીયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતિબેન બી.વઘાસીયઆએ કહ્યું હતું કે, ધર્મ થકી સમાજસેવાનો આ વિચાર મહિલાઓ દ્વારા વહેતો થયો છ.ે આજના સમયમાં અહિની મહિલાઓએ નવી દ્રષ્ટિ આપી છે. મહિલાઓ ધારે એવું પરિવર્તન સમાજમાં લાવી શકે છે.

ગોપીનાથ મહાદેવ મંદિરના મુખ્ય દાતા વઘાસીયા પરિવાર વતી સમુહલગ્ન પ્રણેતા અને સમાજ સેવક હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે દાત્રાણા ગામ વર્ષોથી સમાજ સેવાનું માધ્યમ બન્યુ છે. ગાંધીજીનું મોસાળ આ ગામ સમુહલગ્ન થકી સેંકડો દીકરીના સુખી ઘર-સંસાર શરૂ થવાનું સાક્ષી બન્યું છે.

મંદિર નિર્માણના આ પાવન કાર્યમાં જયાબેન ગોકળભાઇ વઘાસીયા, રમાબેન નરોત્તમભાઇ વઘાસીયા, રસિલાબેન હરસુખભાઇ વઘાસીયા, આરતીબેન મહેન્દ્રભાઇ વઘાસીયા, જેન્તીભાઇ મોહનભાઇ વઘાસીયા, રાધે-કૃષ્ણ ગોપી મહિલા મંડળ, નીતિનભાઇ (ટીનુભાઇ) ફડદુ, ભરતભાઇ રાણોલીયા, સંજયભાઇ વઘાસીયા, ગોરધનભાઇ રાણોલીયા, વલ્લભભાઇ વઘાસીયા, ચંદુભાઇ રાઘવભાઇ પટેલ, બાલુભાઇ શાંતીભાઇ વઘાસીયા, બચુભાઇ બોઘાભાઇ પટોળીયા, જમનભાઇ નરસિંહભાઇ વડાલીયા, રસિકભાઇ વઘાસીયા, ભુપતભાઇ અને અશોકભાઇ બાવનજીભાઇ વઘાસીયા, ભનુભાઇ વઘાસીયા, તથા હીરાભાઇ હીરપરા, સહિતના નાના-મોટા અનેક દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. મહોત્સવને સફળ બનાવવા અગ્રણી વેલજીભાઇ વઘાસીયા, ધીરૂભાઇ બાલધા, શિવ મંદિર સમિતિ, રાધેકૃષ્ણ ગોપી મહિલા મંડળના મંજૂબેન વઘાસીયા, અને શારદાબેન રામોલીયા સહિતના સભ્યો, સરદાર ગ્રુપ અને દાત્રાણાના સમસ્ત ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી. ત્રણ દિવસના કાર્યક્રમમાં દાત્રાણા તેમજ આસપાસના ગામોમાંથી હજજારો શિવભકતો ઉમટી પડયા હતાં. (તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ) (૬.૨૦)

(1:02 pm IST)