Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

જૂનાગઢમાં બિનઉપયોગી ટેલીફોનના થાંભલા દૂર કરવા માંગણી

જૂનાગઢ તા.૪ : પૂર્વનગરસેવક શશીકાંતભાઇ દવેએ ટેલીફોન સત્તાવાળાઓને રજૂઆતમાં જણાવેલ છે કે શહેરમાં લેન્ડલાઇન ટેલીફોનના દરોડા (વાયર) જમીનમાં વહન કરે છે એટલે 'ટેલીફોન પોલ' (થાંભલા) નકામા છે તે ટ્રાફીકને નડતરરૂપ છે તે દિવસ - ૬૦માં દૂર કરી રસ્તાઓની અડચણો દૂર કરવા માંગણી છે.

લેન્ડ લાઇનના વાયરને જમીનમાં ઉતારી અદ્યતન ટેકનીકથી તેના સબ - સ્ટેશનો જેવા યંત્રો ગોઠવ્યા છે. જેથી જમીન - આકાશ વચ્ચે લેન્ડ લાઇનના વાયરો નીકળી જતા 'ટેલીફોન પોલ' (થાંભલા) લગભગ નકામા થઇ ગયા છે. જે ટ્રાફીકને અડચણ કરે છે, નાગરિકો અકસ્માતનો ભોગ બને છે. વિના કારણ ટ્રાફીક જામ થાય છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

આત્મવિલોપનની ચિમકી

વોર્ડ નં.૧૩ ભાજપના ઉપપ્રમુખ અલ્કેશભાઇ ગુંદણિયાએ મુખ્યમંત્રીને રજૂઆતમાં સી.એમ ઓનલાઇનમાં મારો પ્રશ્ન પુર સંરક્ષણ દિવાલ અને પુલ બનાવવા માટે નિર્ણય મુજબ કામ ન થતા આત્મવિલોપનની ચિમકી આપી છે.

સાંપ્રત સંસ્થા દ્વારા હનુમાન જયંતી ઉજવાઇ

સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ (દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા) ખાતે સંસ્થાના પટાંગણમાં મહાકાય પંચમુખી હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવેલ.

સવારે આરતી તથા ભોગ ધરવામાં આવેલ. સાંજના સમયે હનુમંત પાઠ તથા કિર્તન કરવામાં આવેલ. સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર દિવ્યાંગ અનાથ બાળકોને સાથે રાખવામાં આવેલ. સંસ્થાના આ બાળકો પાસે હનુમાન દાદાની આરતી કરાવામાં આવેલ. સાંજે તમામ મહેમાનો અને સંસ્થામાં નિવાસ કરતા અતિગંભીર દિવ્યાંગ અનાથ બાળકોને મિષ્ઠાન ભોજન કરાવવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ જે.પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

આકરા સુર્યતાપ સામે તકેદારીની અપીલ

મહાનગરપાલિકાના મેયર શ્રી તથા માન.કમિશ્નરશ્રીની એક યાદી જણાવે છે કે, હાલ ખૂબ જ તાપમાનમાં વધારો થતો હોય, જેના કારણે સરકારશ્રીના નિયત કરેલા માપદંડને ધ્યાને લઇ જૂનાગઢ શહેરને યલો એલર્ટ જાહેર કરેલ છે. જે અન્વયે શહેરીજનોએ ગરમીથી બચવા અર્થે ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનુ ટાળવુ, કોટન અથવા આછા કલરના કપડા પહેરવા, ખાસ કરીને બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત વ્યકિતઓએ તડકામાં જવુ નહિ, વધુ પ્રમાણમાં પાણી પીવુ શકય હોય તો લીંબુનુ શરબત બનાવી પીવુ. 'લુ' લાગવાના કિસ્સાઓમાં જો તાત્કાલીક સારવાર લેવામાં ન આવે તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા બની શકે છે અને અમુક સંજોગોમાં મૃત્યુ પણ થઇ શકે છે, 'લુ' લાગવાની અસર જણાય તો તાત્કાલીક નજીકના દવાખાના અથવા ૧૦૮નો સંપર્ક કરવો.

'લુ' લાગવા (સનસ્ટ્રોક)ના લક્ષણો, શરીરનું તાપમાન ઉંચુ જાય છે, શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખૂબ તરસ લાગવી, ગભરામણ થવી, ઉલ્ટી થવી, ચક્કર  આવવા, શ્વાસ ચઢવો, હદયના ધબકારા વધી જવા, બેભાન થઇ જવુ જે મુખ્ય લક્ષણો છ. મહાનગરપાલિકા, જૂનાગઢની સફાઇની કામગીરી કરતા કામદારોની કામગીરીના સમયમાં પણ હાલ ફેરફાર કરવામાં આવેલ છે.

સંતશ્રી વેલનાથ જયંતિએ શોભાયાત્રા નિકળી

જૂનાગઢ કોળી સમાજ દ્વારા સંતવેલનાથની જન્મ જયંતિ પ્રસંગે ૧૫મી શોભાયાત્રા ઇન્દીરાનગરથી જૂનાગઢના શહેરી માર્ગ પરથી રાસ મંડળો, શણગારેલા ફલોટ સાથે વિશાળ સંખ્યામાં નિકળેલ હતી અને ભવનાથમાં સંતશ્રી વેલનાથ અને મહંતશ્રી મંગલગીરી રૂપગીર બાપુના આર્શિવાદ લઇને સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવેલ અને સમુહપ્રસાદ તમામે લીધો હતો.

અતિથિ વિશેષ બટુકભાઇ મકવાણા, કાળુભાઇ કડીવાર, જેઠાભાઇ જોરા, જી.પી.કાઠી, કે.ડી.સાગરખા, મોહનભાઇ માંડવીયા, જીસાનભાઇ હાલેપોત્રા, એડવોકેટ રમેશભાઇ ચૌહાણ એડવોકેટ, મહામંત્રી રમેશભાઇ રાઠોડ, અશોકભાઇ કડીવાર, અરજણભાઇ દોકલ, હરસુખભાઇ જીંજુવાડીયા, મોહનભાઇ ડાબસરા, રાજુભાઇ બાબરીયા, કાળુભાઇ ચાવડા, વાલજીભાઇ મેર હાજર રહ્યા હતા.

શોભાયાત્રામાં સામંતભાઇ આંત્રોલીયા, કાળુભાઇ વાઘેલા, કડવાભાઇ કરાણીયા, ભૂપતભાઇ વડેચા, જયદેવભાઇ જીંજવાડીયા, હેમંતભાઇ વલ્લભભાઇ ચાવડા, રમેશભાઇ બાવળીયા, મયુરભાઇ ડાકી, યોગેશભાઇ બાલસ, એડવોકેટ ભાવેશભાઇ જીંજવાડીયા એડવોકેટ, સમજુભાઇ સોલંકી, રમેશભાઇ પરમાર, મુકેશભાઇ રણછોડભાઇ કેતનભાઇ મસાલીયા, જેન્તીભાઇ પરમાર, ગોરધનભાઇ કુનપરા, વિજય બાબુભાઇ સીરવાડીયા, કાદુભાઇ વાઘેલા, દેવાભાઇ જીંજવાડીયા, મેરામણભાઇ શિહોરા, રવજીભાઇ ઉગ્રજા, છગનભાઇ દાનાભાઇ, ચંદ્રભાઇ વડેચા, હરેશભાઇ ડાભી, રવજીભાઇ ધોડકીયા, અરજણભાઇ દેત્રોજા, બકુલભાઇ હરસુખભાઇ ચૌહાણ, સંજયભાઇ કડીવાર, મંગાભાઇ બી. જીંજવાડીયા, બાલાભાઇ ઉગ્રજા, રાજુભાઇ દાનાભાઇ વાઘેલા, બાબુભાઇ રણછોડભાઇ, અજયભાઇ બાબુભાઇ, રાજુભાઇ બાબુભાઇ, કીરીટભાઇ અનિલભાઇ ડાભી, મોહિતભાઇ ચાવડા સહિતના આગેવાનો જોડાયા હતા.

કરવેરા વસુલાતની  કામગીરી બે'દિ બંધ

જૂનાગઢ મહાનગર પાલિકા હદ વિસ્તારમાં મિલકત ધરાવતા તમામ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે  મિલકત વેરાના કેલકયુલેશન માટે સોફટવેર અપડેટની કામગીરી ચાલુ હોય, તા. ૪ સુધી ઘરવેરા શાખાની વસુલાતની કામગીરી બંધ રહેશે. તા.પ થી વસુલાત તેમજ અન્ય કામગીરી રાબેતા મુજબ ચાલુ થશે જેની તમામ મિલ્કતધારકોએ નોંધ લેવા જનસંપર્ક અધિકારી મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયુ છે.(૪૫.૧)

(1:00 pm IST)