Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

જૂનાગઢમાં ઝાકળવર્ષાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉકળાટ

રાજકોટ, તા. ૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર આકરા ઉનાળાનો અહેસાસ યથાવત છે અને લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. મહત્તમ તાપમાનનો પારો પણ ૪૦ ડિગ્રી આસપાસ રહેતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ગરમીની વધુ અસર થઈ રહી છે.

છેલ્લા થોડા દિવસોથી લોકોને આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે અને બપોરના સમયે ધોમધખતા તાપથી બચવા માટે લોકો ઘરની બહાર નીકળવાનુ ટાળે છે અને ગરમીથી બચવા ઘર અથવા તો ઓફિસમાં બેસી રહે છે.

રાત્રીન અને દિવસના સમયે ગરમીની અસર યથાવત રહે છે અને સવારના સમયે સૂર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઈ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે આકરા તાપનો અનુભવ થાય છે.

જૂનાગઢ

જૂનાગઢઃ આજે સવારે ધુમ્મસ છવાઈ ગયુ હતું. ગઈકાલનું મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયુ હતુ. પરંતુ રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

દરમ્યાન આજે સવારે જૂનાગઢના વાતાવરણમાં ધુમ્મસની ચાદર બિછાવાઈ ગઈ હતી. સવારે ૭૪ ટકા ભેજને લઈ ધુમ્મસનું આક્રમણ થયુ હતું.

સવારનું લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયુ હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૯ કિ.મી.ની રહી હતી.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૩૫ મહત્તમ, ૨૧.૫ લઘુતમ, ૯૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૯ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.(૨.૧૧)

(12:59 pm IST)