Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ઉમરગામ હત્યા પ્રકરણમાં ભાવનગર રેન્જ આઇજી અમિત વિશ્વકર્મા કોર્ટમાં હાજર

રાજકોટ તા. ૪ : નવસારી જિલ્લાના ઉમરગામમાં ૨૦૦૭ના એક હત્યા કેસમાં ભાવનગર રેન્જ આઇજી અમિત વિશ્વકર્મા આજે કોર્ટમાં હાજર થઇને પોતાનો જવાબ રજુ કર્યો હતો.

ભાવનગર રેન્જ આઇજી અમિત વિશ્વકર્મા સાથે અકિલાને સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ મળી શકયા ન હતા. તેમના નજીકના સૂત્રોએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, આ કેસમાં બિનજામીન પાત્ર વોરન્ટ મળ્યું નથી. સોમવારે ભારત બંધના દિવસે તેઓને કોર્ટમાં હાજર થઇને જવાબ આપવા આદેશ થયો હતો પરંતુ કાયદો - વ્યવસ્થાની સ્થિતિને જોતા તેઓ હાજર રહી શકયા ન હતા અને આજે સવારે અમિત વિશ્વકર્મા કોર્ટમાં જવાબ આપવા નીકળી ગયા છે અને રૂટીન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૨૦૦૭માં રાહુલ ઉર્ફે સમીર ભરત કાંગડીયાની હત્યા થઇ હતી. જેમાં રાહુલની સાથે રહેતા વિજય રાધેશ્યામ અગ્રવાલની ધરપકડ કરી હતી.

આ દરમિયાન મૃતક રાહુલ કાંગડીયાને પરિવારજનોએ પોલીસ તપાસમાં શંકા વ્યકત કરીને હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ દરમિયાન હવે તપાસ એજન્સીઓને આ કેસ ૬ મહિનામાં પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.

આ કેસમાં વલસાડ પોલીસ અધિક્ષક તરીકે અમિત વિશ્વકર્મા ફરજ બજાવતા હતા અને આ કેસમાં જવાબ રજુ કરવા આદેશ કર્યો હતો.(૨૧.૮)

(11:47 am IST)