Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

મીઠાપુર તાતા કેમીકલ્સના ટેકનીશીયનનું પ્રધાનમંત્રીના શ્રમ શ્રી એવોર્ડથી સન્માન

મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઔદ્યોગીક શહેર મીઠાપુર ખાતે આવેલી તાતા કેમિકલ્સનાં ટેકનીશીયન રાજેશભાઇ સામાણીનું તાજેતરમાં નવી દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં પ્રધાન મંત્રીના શ્રમ શ્રી એવોર્ડ સાથે સન્માન કરાયું હતું. છેલ્લા ૩૪ વર્ષથી તાતા કેમીકલ્સમાં કામ કરતા શ્રી રાજેશભાઇ સામાણીને આદરણીય ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈંકયા નાયડુના હસ્તે રાજયકક્ષાના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી સંતોષકુમાર ગંગવારની હાજરીમાં એવોર્ડ મળ્યો હતો. તેમને તેમની સાતત્યપૂર્ણ કામગીરી તથા સલામતી, સ્વાસ્થ્ય અને પર્યાવરણ, શિસ્ત અને ટીમવર્ક ને બદલ આ એવોર્ડ એનાયત થયો હતો. તાતા કેમીકલ્સ મીઠાપુરના વાઇસ પ્રેસીડેન્ટ મેન્યુફેકચરીંગ શ્રી બી. બી. કથપાલીયાએ કહયું હતું કે શ્રી રાજેશભાઇને ઉત્પાદકતા, ગુણવતા, સંસાધનોના સંરક્ષણ, કચરાની ઉપયોગીતા અને ખર્ચમાં ઘટાડામાં પ્રદાન કરવા બદલ એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવ્યા હતાં. તેઓને ખુશી છે કે ભારતમાંથી પસંદ થયેલા ૩૩૮ વકર્સમાં રાજેશભાઇ એક છે. શ્રી રાજેશભાઇ ને રૂ. ૬૦,૦૦૦ નું રોકડ ઇનામ અને પ્રમાણ પત્ર મળેલ છે. આ સમયે શ્રમ અને રોજગાર સચિવ શ્રીમતી એમ સાથીયાવતી, અધિક સચિવ શ્રી હીરાલાલ સામરિયા અને આર્થીક સલાહકાર શ્રી દેવેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતાં. શ્રી રાજેશભાઇને આ એવોર્ડ મળતા વિશ્વમાં તાતા કેમીકલ્સ મીઠાપુર તેમજ રઘુવંશીઓનું ગૌરવ વધારેલ છે. (તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટણીયા -મીઠાપુર) (પ-૧પ)

(11:46 am IST)