Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

રૂપેણ બંદરના બે શખ્સો દ્વારા અખબારી તંત્રી પર હુમલો

દ્વારકા,તા.૪: રૂપેણબંદરે માથાભારે શખ્સો દ્વારા સ્થાનીય અખબારી તંત્રી પર હુમલો કરી જાનથી મારવાની ધમકી ઉચ્ચાર્યા અંગેની પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. દ્વારકાના પત્રકારો દ્વારા મીડીયાકર્મીઓ પર હુમલાને વખોડી જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે રાજયના મુખ્યમંત્રી-ગૃહમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર પાઠવાયું હતું.

સ્થાનીય અખબાર દેવભૂમિ ધરતી ટાઇમ્સ ના તંત્રી ભગવાનજી હેમરાજભાઇ થોભાણી પર સવારના રૂપેણ બંદર પર ગયેલાં ત્યારે ત્યાંના ઇશા સુમાર ભેસલીયા તથા હનીફ ઇશા ભેસલીયા નામના રૂપેણ બંદર પર રહેતા શખ્સો દ્વારા તુ અમારી વિરુધ્ધ શા માટે સમાચારપત્રમાં છાપે છે? તારા ટાંટીયા તોડી જાનથી મારી નાખી અહી જ દાટી દઇશું અને કોઇને ખબર પણ નહિં પડે તેવી ધમકીઓ ઉચ્ચારી શારીરિક હુમલો કર્યો હોવા અંગે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી.

આ બન્ને ઇસમો રૂપેણ બંદરના રાજકીય તેમજ પોલીસ ખાતાની વગ ધરાવતા ઇસમ તરીકેની ઇમેજ ધરાવતા હોવાની તથા તેઓ વિરુધ્ધ એકથી વધુ ગુન્હાઓ  નોંધાયેલાં હોવાની રજૂઆત સાથે પત્રકાર પર થતાં હુમલા સામે મીડીયાકર્મીને રક્ષણ મળી રહે તે માટે મીડીયાકર્મીઓના સમૂહ દ્વારા દ્વારકાના એસ.પી.ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.(૧.૫)

(11:42 am IST)