Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

જમીન સંપાદન મુદ્દે ગામ લોકો નમતુ જોખવા તૈયાર નથીઃ ૧૦૦ બાળકોના લિવીંગ સર્ટી કઢાવવા અરજી

જીપીસીએલની જમીન સંપાદન મુદ્દે ખેડૂતો દ્વારા નવતર વિરોધ

ભાવનગર તા. ૩ : ઘોઘા નજીકના ૧૨ ગામના ખેડૂતોએ જીપીસીએલ દ્વારા જમીન સંપાદન મુદ્દે નવતર વિરોધ કરવામાં આવ્યો છે. મલેકવદર ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ એકઠા થઇ શાળામાંથી પોતાના બાળકોના લિવિંગ સર્ટીફિકેટ કઢાવવા માટે અરજી કરી છે. એક સાથે ૧૦૦ બાળકોની લિવિંગ સર્ટી કઢાવવા અરજી કરાઇ છે. જમીન સંપાદનની નીતિના વિરોધમાં ખેડૂતો દ્વારા આ પ્રકારે દરરોજ એક ગામમાં અસરગ્રસ્ત ખેડૂતો પોતાના બાળકોના એલસી કઢાવવા અરજી કરશે.

ભાવનગરના ઘોઘા તાલુકાના ગામડાની જમીન કબજાના મામલે હવે ગામલોકો નમતુ જોખવા તૈયાર નથી. બાર ગામના લોકોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન જારી રાખવાનુ પણ એલાન કર્યુ છે. સોમવારે ૧૨ ગામના આગેવાનો અને જીપીસીએલ કંપનીના અધિકરીઓ વચ્ચે બેઠક યોજાવાની હતી. પરંતુ બેઠકમાં જીપીસીએલના કોઈ પ્રતિનિધિ કે સરકારના પ્રતિનિધિ હાજર રહ્યા ન હતા.

બેઠકમાં માઇનિંગનો કોન્ટ્રાકટ રાખનાર પી.સી.પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પરંતુ તેમની બેઠકમાં કોઈ નિષ્કર્ષ નહોતો નીકળ્યો. ઉલ્લેખનીય છે કે જીપીસીએલ કંપનીએ પોલીસ કાફલા સાથે સંપાદિત જમીન પર માઇનીંગનું કામકાજ શરૂ કરતા ઘોઘા નજીકના ૧૨ ગામના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

(11:41 am IST)