Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

બેઠો પૂલ તોડી પાડયો ને ડાયવર્ઝન નહીં કરાતા વાંકાનેરમાં નવી સમસ્યાઃ વિદ્યાર્થીઓ-મુસાફરો હેરાન

વાંકાનેર તા. ૪: વાંકાનેરથી રાજકોટ તરફ જવા અને રાજકોટથી વાંકાનેર પ્રવેશતા વાહનો જયાંથી પસાર થાય છે એ પતાળીયા નદી પરનો વાંકાનેરનો બેઠો પુલ ઉંચો અને પહોળો બનાવવા માટે તોડી પડાયો છે.

પુલ તોડી પડાયા બાદ હજુ સુધી પુલની બાજુમાં નાના વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન રસ્તો બનાવાયો નથી. જેથી નાના હજારો વાહન ચાલકોને દાણાપીઠ ચોકથી પુલ દરવાજા થઇ ત્યાંથી સ્ટેચ્યુ ગેટ થઇ રાજકોટ રોડ પર જવું પડે છે. આ રસ્તો પસાર કરીને સ્કુલોમાં જતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને હાલ પરીક્ષાનો સમય હોઇ, ભારે પરેશાની વેઠી રહ્યા છે. આ રસ્તા પર જ આવતી, આશીયાના સોસાયટી, ગુલાબનગર, મિલેનીયમનગર, એકતા સોસાયટી તથા પચીસ વારીયા વિસ્તારનાં નાગરિકો અને વાડી વિસ્તારના રહેવાસીઓને મુશ્કેલી પડી રહી છે.

આ પુલ તોડયા બાદ છેલ્લા બે માસથી તેની કોઇ કામગીરી હાથ નહીં ધરાતા માર્ગ મકાન વિભાગ તથા કલેકટર શ્રી મોરબીએ આ રસ્તો બંધ કરવાનું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. જે જાહેરનામામાં અગાામી માત્ર છ માસમાં આ નવા પુલનું કામ પૂર્ણ થશે તેવો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ પુલના પાયાનું કામ પણ હજુ શરૂ જ ન થયું હોઇ, આ પુલનું કામ કયા ચોમાસા પહેલા પૂર્ણ થોશે? એવી ચર્ચાઓ લોકમુખેથી સંભળાઇ રહી છે. તેમજ આ પુલનું કામ કયા કોન્ટ્રાકટરને અને કેવી રીતે અપાયું છે? તે અંગે પણ અનેક તર્ક-વિતર્ક જોવા મળે છે આ પુલ તોડાતા, રાજકોટ-વાંકાનેર એસટીના તમામ રૂટ ફેરવાતા મુસાફરો પરેશાન જોવા મળી રહ્યા છે. (૭.૧૬)

(11:40 am IST)