Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

પોરબંદર-છાંયાની સરકારી કચેરીમાં ભાજપની મીટીંગની મંજુરી આપનાર સામે પગલા લેવા માંગણી

ભાજપ કાર્યાલયને બદલે પાલિકા કચેરીમાં મીટીંગ યોજીઃ વિરોધ પક્ષ કોંગ્રેસમાં રોષ

પોરબંદર, તા. ૪ :. નગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભોજાભાઈ ખૂંટી, છાંયા, શહેર કોંગ્રેસના ઈન્ચાર્જ પ્રમુખ રણજીતભાઈ કુછડીયા અને છાંયા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી રામભાઈ મેપાભાઈ ઓડેદરાએ જણાવેલ કે ભાજપનો સ્થાપના દિન તા. ૬ એપ્રિલના રોજ આવી રહેલ છે. તેના આયોજન માટેની મીટીંગ ભાજપના કાર્યાલયના બદલે છાંયા નગરપાલિકાની ઓફિસમાં બોલાવવામાં આવી હતી. તેમણે સરકારી કચેરીનો ઉપયોગ ભાજપના કાર્યાલય તરીકે થઈ રહ્યો છે તેને દુઃખદ ગણાવેલ. નગરપાલિકાની ઓફિસમાં ભાજપની મીટીંગ યોજવાની મંજુરી કયા અધિકારી કે પદાધિકારીએ આપી તેની તપાસ જિલ્લા કલેકટરશ્રી કરાવીને નગરપાલિકાની ઓફિસમાં મીટીંગ યોજવાની મંજુરી આપનાર અધિકારી-પદાધિકારી સામે પગલા લેવા જોઈએ. મીટીંગ સમયે નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર હોય અને આ મીટીંગ કયા કારણોસર ન અટકાવી ? તેની તપાસ કરાવીને જવાબદારો સામે પગલા લેવા જોઈએ.

 

આ ઘટનાની તપાસ કરીને જો પગલા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં છાંયા નગરપાલિકાની ઓફિસમાં કોંગ્રેસ પક્ષની મીટીંગ બોલાવવામાં આવશે. તેમ અંતમાં રણજીતભાઈ કુછડીયા, ભોજાભાઈ ખુંટી, રામભાઈ મેપાભાઈ ઓડેદરા અને કારાભાઈ કોડીયાતરે જણાવ્યુ છે.(૨-૨)

(11:38 am IST)