Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ભાવનગરના ટીંબીમાં યુવકની હત્યા ઘોડીના કારણે નહીં પરંતુ છેડતીના પ્રશ્ને થઇ હોવાનું ખુલ્યુંઃ મૃતક સ્‍કૂલ-કોલેજમાં આવતી-જતી છોકરીઓની છેડતી કરતો હતો

ભાવનગર: ટીંબીમાં થોડા ‌દિવસ પહેલા દલિત યુવકની હત્‍યા થઇ હતી. આ યુવક ઘોડી લઇને નીકળતા તેની હત્યા થયાનું ખુલ્યુ હતું. પરંતુ પોલીસ તપાસના અંતે આ દલિત યુવકની છેડતીના કારણે હત્‍યા થયાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે.

ભાવનગર પોલીસનું કહેવું છે કે, આ દલિત યુવકની હત્યા ઘોડો રાખવાના શોખના કારણે નહીં, પણ છોકરીની કથિત છેડતી કરવાના મામલે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, શરુઆતની તપાસમાં મળેલી માહિતી અનુસાર, મૃતક સ્કૂલ-કોલેજોમાં આવતી-જતી છોકરીઓની છેડતી કરતો હતો.

પોલીસ એમ પણ માની રહી છે કે, દલિત યુવકની પ્રેમ પ્રકરણમાં પણ હત્યા થયેલી હોઈ શકે છે. ભાવનગર જિલ્લા એસપી પ્રવીણ માલના જણાવ્યા અનુસાર, મૃતક દલિત યુવકની હત્યા તેના પરિવારે કરેલા આક્ષેપ પ્રમાણે ઘોડો રાખવા કે પછી ગામમાં ઘોડેસવારી કરવા મામલે નથી થઈ. તેમણે જણાવ્યું હતું કે, પીડિત યુવકના ચારિત્ર્ય અંગે સ્થાનિક લોકો પાસેથી પોલીસને વિભિન્ન નિવેદન મળ્યા છે.

જોકે, પોલીસ હજુય આ મર્ડર કેસની તપાસ કરી રહી છે, માટે તમામ એંગલને ધ્યાનમાં રાખી તપાસ આગળ ચલાવાઈ રહી છે. પીડિત પરિવારનું કહેવું છે કે, ગામના ઉચ્ચ જ્ઞાતિના માથાભારે લોકો ઘોડો રાખવા બદલ ધમકી આપતા હતા.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરથી 60 કિલોમીટર દૂર આવેલા ટીંબી ગામે ગયા ગુરુવારે સાંજે કથિત રીતે ઉંચી જ્ઞાતિના લોકોએ ધારદાર હથિયારથી હુમલો કરી ઘોડા પર જઈ રહેલા દલિત યુવક પ્રદીપ રાઠોડની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ પણ કરી છે. મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકોને અમે દલિત થઈને ઘોડો રાખીએ તેની સામે વાંધો હતો.

મૃતકના પિતાએ પોલીસને એમ પણ જણાવ્યું હતું કે, તેઓ ગામના લોકોની ધમકીથી ડરી ઘોડો વેચવા માટે પણ તૈયાર હતા, પરંતુ દીકરાએ ઘોડો રાખવાની જીદ કરી હતી. ધમકી મળવાની બંધ થઈ જતાં તેમને એમ હતું કે હવે મામલો થાળે પડી ગયો છે, પરંતુ ઘોડાના કારણે જ દીકરાની હત્યા થઈ હોવાનો તેમનો આરોપ છે.

(5:30 pm IST)