Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ગોંડલ હાઇવે કિશાન પંપ પાસે ટ્રકે બાઇકને ઉલાળ્‍યું: રાજકોટના મધુબેન અઘેરાનું મોતઃ પતિ-પુત્રને ઇજા

પટેલ મહિલાના બહેન શાપર રહેતાં હોઇ તેમના ઘરેથી બેસીની ત્રણેય પરત રાજકોટ આવતા હતાં ત્‍યારે બનાવઃ ગિતાંજલી સોસાયટીના પરિવારમાં શોક

રાજકોટ તા. ૪: ગોંડલ હાઇવે પર કિશાન પંપ ખોડિયાર હોટેલ નજીક રાતે સાડા દસેક વાગ્‍યે ટ્રકે બાઇકને ઉલાળી દેતાં બાઇક પર બેઠેલા રાજકોટ ગિતાંજલી સોસાયટીના પટેલ પ્રોૈઢ, તેમના પત્‍નિ અને પુત્ર રોડ પર ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ પત્‍નિએ દમ તોડી દીધો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગોકુલધામ પાસે ગિતાંજલી સોસાયટી-૧માં રહેતાં મધુબેન ગોપાલભાઇ અઘેરા (ઉ.વ.૫૦)ના બહેન શાપર વેરાવળ રહેતાં હોઇ ગઇકાલે તેઓ પતિ ગોપાલભાઇ લક્ષ્મીદાસ અઘેરા અને પુત્ર યોગેશ (ઉ.વ.૨૧) સાથે બાઇકમાં બેસી શાપર બહેનના ઘરે બેસવા ગયા હતાં.

રાતે ત્‍યાંથી પરત રાજકોટ આવતી વખતે ખોડિયાર હોટેલ પાસે ટ્રકે બાઇકને ઉલાળી દેતાં ત્રણેય ફંગોળાઇ ગયા હતાં. જેમાં ગોપાલભાઇને નજીવી ઇજા થઇ હતી. જ્‍યારે તેમના પત્‍નિ મધુબેન અને પુત્ર યોગેશને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ અહિ મધુબેને દમ તોડી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. યોગેશને વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવાયો હતો.

મધુબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ ગોપાલભાઇ લક્ષ્મીનગરમાં ઓટો ગેરેજ ચલાવે છે. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને અનોપસિંહ ઝાલાએ શાપર પોલીસને જાણ કરી હતી.

(12:11 pm IST)