Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

વાંકાનેર પાલિકામાં જીતુભાઈ સોમાણીના આત્મવિશ્વાસની જીત

૨૪ બેઠક ઉપર ભાજપ અને ૪ બેઠક ઉપર બ.સ.પા. વિજયીઃ કોંગ્રેસ અને આમ આદમીના સુપડા સાફ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૩ :. નગરપાલિકામાં પુનઃ ભાજપના ઉમેદવારોને નગરજનોએ વિજેતા બનાવ્યા છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ, બસપા અને આમ આદમી પાર્ટીએ જુદા જુદા વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં ભાજપે ૬ વોર્ડમાં મળી ૨૪ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. બસપાએ ગત ટર્મ જેમ વોર્ડ નં. ૪માં પોતાના ૪ ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ પણ જુદા જુદા વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. વાંકાનેરમાં છેલ્લી પાંચ ટર્મથી ભાજપનું શાસન રહ્યુ છે અને તેનુ નેતૃત્વ જીતુભાઈ સોમાણી સંભાળી રહ્યા છે. ભાજપ શાસન દરમ્યાન થયેલા વિકાસના કાર્યોને પ્રજાએ આવકાર્યા છે. ૨૪ ઉમેદવારો ઉભા રાખ્યા ત્યારે જ ભાજપના સક્ષમ નેતા જીતુભાઈ સોમાણીએ આત્મવિશ્વાસ સાથે ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થશે તેમા કોઈ શંકાને સ્થાન નથી તેવો વિશ્વાસ વ્યકત કરેલ જેને પ્રજાએ આવકારી સ્પષ્ટ બહુમતી સાથે પુનઃ ૨૪ સે ૨૪ ઉમેદવારોને વિજય વરમાળા પહેરાવી છે. જ્યારે વોર્ડ નં. ૪માં પુનઃ બસપાના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે.

જ્યારે કોેંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવારોને મતદારોએ સ્વીકાર્યા નથી. તમામનો પરાજય થયો છે. મતદારોએ જે જે કામો અધુરા છે તે કામો સત્તારૂઢ બની ભાજપ તાત્કાલીક શરૂ કરે તેવી લાગણી પણ વ્યકત કરી છે. ભાજપ અને બસપાના વિજેતાઓના સરઘસો નિકળ્યા હતા.

(11:45 am IST)