Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

અલિયાબાડા દ્વારા વિશાળ મૌન રેલી સાથે પુલવામાના શહીદ જવાનોને શ્રધ્ધાંજલિઃ ગામ સજ્જડ બંધ રહ્યું: શહીદો માટે રૂ.૧,૦૧,૧૧૧નું ફંડ એકત્ર કરાયું

જમ્મુ-કાશ્મીરના પુલવામાં તાજેતરમાં સી.આર.પી.એફ.ના કાફલા પર થયેલા આતંકી હુમલામાં દેશના ૪૪ વીર સપૂતો શહીદ થયા હતા. આ શહીદોને શ્રધ્ધાંજલિ અર્પવા માટે અલિયાબાડાના સમસ્ત ગ્રામજનો, વેપારી એસોસિએશન તેમજ વિવિધ શૈક્ષણિક સંકુલો દ્વારા અલિયાબાડાના મુખ્ય માર્ગો પર વિશાળ મૌન રેલી નીકળી હતી. જે કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં સભાના રૂપમાં ફેરવાઇ ગઇ હતી.જયાં અલિયાબાડાના વિવિધ શૈક્ષણિક સંકુલો જેવા કે બક્ષીપંચ આશ્રમ શાળા તેમજ જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સીપાલ, સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થી ભાઇ-બહેનો અને અલિયાબાડાના ગ્રામજનો, વેપારીઓએ પાકિસ્તાન મુર્દાબાદના  નારા લગાવી આક્રોશ સાથે વીરગતિ પામેલા શહીદ વીરોને નત મસ્તકે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી, આતંકવાદી કૃત્યને વખોડી કાઢી ભારત સરકારને જરૂરી સખત પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. શ્રધ્ધાંજલિ સભામાં વીર શહીદોના પરિવારો માટે ફંડની હાકલ થતાં ગ્રામજનો-વેપારીઓ દ્વારા રૂ.૧,૦૧,૧૧૧નું ફંડ એકત્ર થયું હતું. સાંજના ૭ વાગ્યે ડોલરભાઇ સ્મૃતિભવનના પ્રાંગણમાં ગ્રામજનો દ્વારા કેન્ડલ માર્ચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મનોજભાઇ ચાવડીયા, મનોજભાઇ સોનછાત્રા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે વખતની (તસ્વીરઃ મુકેશ વરિયા ફલ્લા)

(12:22 pm IST)