Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ગોંડલમાં પૌત્રીની જાન વિદાય બાદ દાદીની અંતિમયાત્રા નીકળી

સવારે સગાઇના પ્રસંગ પહેલા દાદીનું નિધન થયું : પટેલ પરિવારના પાંચ સદસ્યોને જ જાણ હતી : સગાઇ અને લગ્નવિધિ સાદાઇથી કરવામાં આવી

ગોંડલ તા. ૪ : ગોંડલના ભોજરાજપરા ખાતે રહેતા પટેલ પરિવારમાં પુત્રીના લગ્ન વેળાએ દાદીનું નિધન થયું. પુત્રીની જાન વિદાય બાદ માતાની અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી.'ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું'એ કહેવતને યથાર્થ કરતી ઘટના ગોંડલમાં બનવા પામી છે શહેરના ભોજરાજપરા ખાતે રહેતા અને ખેતીકામ કરતા અતુલભાઇ રૈયાણીની પુત્રી મિત્તલના લગ્ન ગણેશનગરમાં જ રહેતા રવિ રાદડિયા સાથે નિર્ધારિત થયા હતા. સવારે હરખભેર સગાઇની રસમ નિભાવવામાં આવી રહી હતી ત્યારે જ ઘરના વટવૃક્ષ સમાન મણીબેન રાજાભાઈ રૈયાણી (ઉં.વ. ૮૦)નું નિધન થતા પરિવારના મોભી ઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. મણીબેનના નિધનની જાણ તેમના બે પુત્રો વિનોદભાઈ,અતુલભાઇ તેમજ ભત્રીજા શશીકાંતભાઈ રૈયાણી (શહેર ભાજપ પ્રમુખ) સિવાય અન્ય કોઈપણને જાણ કરવામાં આવી ન હતી અને સગાઈ, લગ્નની રસમ સાદાઈથી કરવામાં આવી હતી.

ઘટનાની કરૂણતા તે હતી કે એક તરફ પટેલ પરિવારની પુત્રી નવજીવન માટે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરી રહી હતી તો બીજી તરફ પરિવારના વટવૃક્ષ સમાન વૃદ્ઘાના મૃતદેહને શશીકાંતભાઈ રૈયાણીની વાડીએ ફ્રિજમાં મૂકવામાં આવી હતી. દાદીની વાલી લડકી મિત્તલે વિદાય વેળાએ દાદીને ખુબ યાદ કર્યા હતા ત્યારે પરિવારજનોએ કાળજા પર પથ્થર રાખી કહેવું પડ્યું હતું કે દાદીમા નાદુરસ્ત છે અને તેમને હોસ્પિટલ દાખલ કરાયા છે. બાદમાં રૈયાણી પરિવારે પુત્રીની વિદાય બાદ માતાની અંતિમ યાત્રા કાઢી હતી.

(3:39 pm IST)