Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ભાવનગર મનપા માટે ભાજપના ઉમેદવાર જાહેર : 34માંથી 21 કોર્પોરેટરોની ટિકિટ કાપી : 13ને રિપીટ : નવા 39 ચહેરાને તક

કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા પૂર્વ કોર્પોરેટર ગીતા મેરને ભાજપે ટીકીટ આપી

ભાવનગર : મહાનગરપાલિકા ચુંટણીમાં ભાજપે આજે તેના ૫૨ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પ્રદેશ પ્રમુખ દ્વારા જારી કરેલા નિયમોને અધીન ભાવનગરના ઉમેદવારોની યાદીમાં બાવનમાંથી ભાજપના ૩૪ માંથી ૨૧ પૂર્વ નગરસેવકોની ટીકીટ કાપી નાખવામાં આવી હતી. જયારે જુના ૧૩ ને રીપીટ કરી નવા ૩૯ ચહેરાને સ્થાન આપ્યું હતું. ભાવનગર ભાજપના દિગ્ગજો આ ચુંટણીમાં કપાયા છે પરંતુ શિસ્તને વરેલી આ પાર્ટીમાં કોઈ વ્યક્તિની વિરોધાત્મક પ્રતિક્રિયા સામે આવે ન હતી.

ભાવનગર મહાનગરપાલિકા ચુંટણીમાં આજે ૧૩ વોર્ડના બાવન ઉમેદવારોની યાદી આજે ભાજપે જાહેર કરી છે. જેમાં આજે જાહેર થયેલા ઉમેદવારો ને લઇ ભાજપે નવા નિયમોને આધીન અને અન્ય કાર્યકરોની કામગીરીને ધ્યાને લઇ મોટી કાતર મૂકી અને માત્ર ૧૩ લોકોને રીપીટ કર્યા છે. જયારે બાકીના ૩૯ નવા ચહેરાને સ્થાન આપ્યું છે. નવા સીમાંકન મુજબ જ્ઞાતિ, વસતી અને વ્યક્તિની કામગીરીને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હતો

આ વખતે બે પૂર્વ મેયર સહીત ૬૦ વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મ પૂરી કરનાર ૧૧ કોર્પોરેટરોની ટીકીટ પણ કપાઈ છે. જયારે અગાઉની ચુંટણીમાં ૫૨ ઉમેદવારો પૈકી ૩૪ ભાજપના હતા ત્યારે આ વખતે વધુ બેઠક જીતવા  અનેક યુવાઓને ટીકીટ ફાળવી ભાજપે અલગ દાવપેચ અજમાવ્યો છે. સૌથી ચોકાવનારી બાબત જેમાં વોર્ડ નંબર ૫ માં કોંગ્રેસમાંથી ૨૪ કલાક પહેલા રાજીનામું આપેલા પૂર્વ કોર્પોરેટર ગીતા મેરને ભાજપે ટીકીટ આપી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જયારે આ અંગે શહેર ભાજપ પ્રમુખે ગીતા મેરની ટીકીટને ઘર વાપસી ગણાવી હતી.

(1:15 am IST)