Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના કુલ ૧૫૩ જીલ્લા પંચાયતની ૫ સીટ માટે ૫૩ની દાવેદારી

 (દીપક જાની દ્વારા) હળવદ,તા.૪ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હળવદમાં મુખ્ય બે કહી શકાય તેવા ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને સાંભળી સેન્સ પણ લઈ લીધી છે. જેથી, હવે આવનાર ત્રણથી ચાર દિવસમાં જ બંને પક્ષો પોતાના ઉમેદવારો પણ જાહેર કરે તેવું જાણવા મળી રહ્યું છે. જેથી, ભાજપ અને કોંગ્રેસમાંથી તાલુકા પંચાયતની ૨૦ સીટ માટે ૧૫૩ લોકોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે જિલ્લા પંચાયતની ૫ સીટ માટે ૫૩ લોકોએ દાવેદારી કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોને મેન્ડેટ મળે છે? અને જેને નથી મળતું તે શું કરે છે?

સૌથી વધુ દાવેદારો ભાજપમાં

હળવદ તાલુકા પંચાયતની ૨૦ સીટ માટે સૌથી વધુ ભાજપમાં ૮૧ લોકોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે તાલુકામાં આવતી ૫ જિલ્લા પંચાયતની સીટ માટે ૩૭ લોકોએ દાવેદારી નોંધાવી છે. તેમજ કોંગ્રેસ પક્ષમાંથી ૨૦ તાલુકા પંચાયતની સીટ માટે ૭૨ લોકોએ દાવેદારી કરી છે. જ્યારે ૫ જિલ્લા પંચાયતની સીટ માટે ૧૬ લોકો દાવેદારી કરી ચૂક્યા છે. જેથી, બંને પક્ષ દ્વારા હાલ તો જોઈ જાણીને ચાલી રહ્યા છે. કારણ કે સીટો ઓછીને પેસેન્જર ઝાઝા છે.

સાપકડા જિલ્લા પંચાયતની બેઠક પર છે સૌની નજર!

આમ તો હળવદમાં જિલ્લા પંચાયતની પાંચ બેઠકો આવે છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ માટે હાલ તો ઉમેદવારો જાહેર નથી થયા. તે પહેલાથી જ સાપકડા જિલ્લા પંચાયતની બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. આ બેઠક પર કોંગ્રેસમાંથી ત્રણ લોકોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે ભાજપમાંથી આઠ લોકોએ દાવેદારી નોંધાવી છે. આ બેઠક પર વર્ષ ૨૦૧૫માં કોંગ્રેસ જીત્યું હતું . હાલ આ ચૂંટણીમાં ત્રણ લોકોએ પણ દાવેદારી નોંધાવી છે. જ્યારે ભાજપમાંથી વર્ષ ૨૦૧૫માં હારનો સામનો કરી ચૂકેલા ચંદુભાઈ શીહોરા સહિત આઠ લોકોએ પણ દાવેદારી નોંધાવી છે. એટલે હાલ તો લાગી રહ્યું છે કે વર્ષ ૨૦૧૫માં જે ઉમેદવારો સામે હતા તેઓ જ વર્ષ ૨૦૨૧માં પણ હશે.

 વર્ષ ૨૦૧૫માં કોંગ્રેસ તાલુકા પંચાયત જીત્યું : અઢી વર્ષ બાદ ભાજપે સત્તા આંચકી હતી

વર્ષ ૨૦૧૫માં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હળવદ તાલુકા પંચાયતની ૨૦ સીટોમાંથી કોંગ્રેસએ ૧૨ બેઠક પર જીત મેળવી હતી. જ્યારે ભાજપ ૮ પર જીત્યું હતું. તેમજ જિલ્લા પંચાયતની પ બેઠકમાંથી ૩ કોંગ્રેસ અને ભાજપ ૨ જીત્યું હતું. હળવદ તાલુકા પંચાયત પર અઢી વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું હતું. ત્યારબાદ પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાઈ જતાં અને કોંગ્રેસે જીતેલ ઘનશ્યામ ગઢ પર પાસ કન્વીનરના અવસાન બાદ આ બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપે કબજે કરી હતી. જેથી, કોંગ્રેસને તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો હતો અને અઢી વર્ષ બાદ ભાજપે તાલુકા પંચાયતના બાગડોર સંભાળ્યા હતા.

(11:45 am IST)