Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

કેશોદની બજારમાં ખાખડી કેરીનું આગમન

ગત વર્ષની સરખામણીએ બજારમાં ખાખડીનું બે સપ્તાહ મોડું આગમન સાથે ઉંચા ભાવે વેચાણ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૪: આગલા વર્ષોની જેમ ચાલુ વર્ષે પણ વાતાવરણમાં બદલાવના કારણે આંબાઓમાં આગોતરા પાછોતરા ફાલ જોવા મળી રહયાછે. સરેરાશ જાન્યુઆરીની શરૂઆતમાં આંબામાં ફલાવરીંગ એટલે કે મોર આવવાની શરૂઆત થતી હોયછે ફેબ્રુઆરીમાં મગીયો બંધાઈ ખાખડીનું બંધારણ થાયછે ત્યારે થોડા વર્ષોથી વાતાવરણમાં અચાનક બદલાવના કારણે ફલાવરીંગ મગીયો ખાખડી બનવામાં થોડા દિવસ વહેલા મોડું થતું રહેછે. ગત વર્ષની સરખામણીએ બજારમાં ખાખડીનું બે સપ્તાહ મોડુ આગમન થયું છે.

કેશોદના માર્કેટમાં ગત વર્ષના ખાખડીના ભાવની સરખામણીએ હાલની સીઝનની શરુઆતમાં ખાખડીની ઉંચી કિંમત જોવા મળી રહી છે. ગત વર્ષે ખાખડીના આગમનની શરૂઆતમાં પ્રતિ કિલો ત્રણસો રૂપિયાના ભાવે બજારમાં વેચાણ થતું હતું જે ચાલુ વર્ષે ખાખડીના આગમનની શરૂઆતમાં પ્રતિ કિલો પાંચસો રૂપિયામાં ખાખડીનું માર્કેટમાં વેચાણ થઈ રહ્યું છે. ચાલુ વર્ષની સીઝન દરમ્યાન આંબા પરના મોરના ભરચક ઝમખાઓ જોવા મળતા કેરીનું મબલખ ઉત્પાદન થાય તેવું લાગી રહ્યું છે. તેમજ કેરીની સીઝન લાંબો સમય રહેશે તેવી શકયતા સેવાઇ રહી છે. જેથી કેરીના સ્વાદ રસીકોને ફળોની રાણી કેરીનો સ્વાદ લાંબો સમય સુધી માણવા મળે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે.(કિશોરભાઈ દેવાણીઃ કેશોદ)

(10:27 am IST)