Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જામનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને કલેકટરને આવેદન અપાયું

જામનગર, તા. ૪ :. જામનગરના આંગણવાડી કર્મચારીઓના વિવિધ અણઉકેલ પ્રશ્નો અંગે ગઈકાલે આંગણવાડી કર્મચારીઓ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.

આવેદનપત્રમાં કર્મચારીઓની વિવિધ માંગણીઓ જેમાં (૧) ઓકટોબર ૨૦૧૮માં કેન્દ્ર સરકારે કરેલ પગાર વધારો રાજ્ય સરકારશ્રી તરફથી આપવામાં આવેલ નથી તે તાત્કાલીક એરીયર્સ સાથે ચૂકવવામાં આવે. (૨) આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા તથા નિવૃતિ વયમર્યાદા ૬૫ વર્ષની કરવી. (૩) સરકારી કર્મચારી જાહેર ન થાય તે પહેલા કાર્યકરને રૂ. ૧૮,૦૦૦ તથા હેલ્પરને રૂ. ૧૦,૦૦૦ પ્રતિ માસ લઘુતમ વેતન ચૂકવવામાં આવે. મીની આંગણવાડીના કર્મચારીઓને પણ આ જ રીતે વેતન ચૂકવવામાં આવે. (૪) આંગણવાડી કર્મચારીઓને પી.એફ., પેન્શન, ગ્રેચ્યુઈટી તથા આરોગ્ય સુવિધા આપવામાં આવે. હાલમાં મળતી વિમાની રકમમાં વધારો કરવામાં આવે. (૫) આંગણવાડી કાર્યકર/હેલ્પરને ઉંમરનો બાધ હટાવી ૧૦૦ ટકા જગ્યા સીનીયોરીટી મુજબ પ્રમોશનથી ભરવામાં આવે. (૬) રજાના દિવસે કામ કરાવે છે તેનુ અલગથી વળતર આપવામાં આવતુ નથી જે આપવું જોઈએ. (૭) માનદ વેતન તથા પોષક આહાર વિગેરેની રકમ સમયસર ચૂકવવી જોઈએ. તેવી રજૂઆત આવેદન પત્રમાં કરવામાં આવી છે.

આવેદનપત્ર પાઠવવામાં આંગણવાડી કર્મચારી મંડળના જીલ્લા પ્રમુખ દયાબેન પરમાર, જીલ્લા મંત્રી આરતીબેન વારા, વિભાગીય મંત્રી એસ.સી. જેઠવા સાથે કર્મચારી મંડળના સભ્યો જોડાયા હતા.

(1:02 pm IST)