Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

લાઠી - બાબરાના ધારાસભ્ય ઠુમર દ્વારા મોંઘવારી મુદ્દે સરકાર સામે આકરા પ્રહારો

દામનગર, તા. ૪ : કોંગ્રેસના શાસનમાં મોંદ્યવારીના મુદ્દે કાગારોળ મચાવતાં ભાજપીયાઓના શાસનમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવો કુદકે ને ભુસકે વધી રહ્યા છે, મોંઘવારી માઝા મુકી રહી છે. જેના કારણે મર્યાદીત આવક ધરાવતાં ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોના ઘર ખર્ચનું બજેટ ખોરવાઇ રહ્યું છે. મોંઘવારીના મારથી ઘર ખર્ચને પહોંચી વળવા ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોની સાધારણ બચતો હતી તે પણ વપરાવા લાગી છે, આમ, મોંદ્યવારીના મરણતોલ આર્થિક ફટકાઓથી ગરીબ અને મધ્યમ વર્ગ આર્થિક દ્રષ્ટિએ ઘસાવા લાગ્યો છે તેમ ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે.

શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે, ઓગષ્ટ – ૨૦૧૯ પછી એટલે કે છેલ્લા ચાર મહિનામાં એકબાજુ શાકભાજીનાં ભાવો આસમાનને આંબી ગયા તો બીજી બાજું નવા વર્ષની શરૂઆતમાં જ રેલ ભાડાની સાથોસાથ રાંધણગેસ (LPG) સિલિન્ડરના ભાવોમાં, મોદી સરકારે કમ્મરતોડ વધારો કર્યો છે.

શ્રી ઠુંમરે વધુમાં એમ પણ જણાવ્યું કે, મોદી સરકારે નવા વર્ષના પહેલાં જ દિવસે રેલ ભાડાની સાથોસાથ રાંધણગેસના બાટલાના ભાવોમાં ૨૧ રૂપિયાના ધરખમ વધારા સાથે છેલ્લા ચાર મહિનામાં કુલ રૂપિયા ૧૪૫ નો તોતિંગ ભાવ વધારો કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમ્મર તોડી નાંખી છે તેમ જણાવી ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે અંતમાં જણાવ્યું હતુ કે, રાજયની ને દેશની જનતાએ સ્પર્શતા મોંદ્યવારીના મુદ્દે સરકારની શાન ઠેકાણે લાવવા રાજયની ને દેશની જનતાએ સ્વયં જાગૃત થઈને મોંઘવારી વિરોધી ધરણાં – પ્રદર્શનો અને રેલીઓ જેવા અહિંસક કાર્યક્રમો યોજીને અસહ્ય મોંઘવારી તરફ સરકારનું ધ્યાન ખેંચવા લડત આપવાની જરૂર છે.

(11:41 am IST)