Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સુરેન્દ્રનગરમાં ગરીબ કલ્યાણમેળોઃ મંત્રી બાવળીયા કરશે સાધન સહાય વિતરણ

સુરેન્દ્રનગર, તા.૪: રાજય સરકારે જાહેર કરેલ યોજનાઓ અને નાણાંકીય સહાય સીધેસીધી લાભાર્થીના હાથમાં જાય અને વચ્ચે વચોટીયાઓ લાભ ન લે તેવા ઉમદા હેતુથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું છે. ગરીબ કલ્યાણ મેળાના ૧૧માં તબકકામાં સુરેન્દ્રનગર ખાતે આગામી તા. ૮ ડીસેમ્બરે આનંદભુવન ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલે જણાવ્યું છે.

આ મેળામાં જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી કુંવરજી બાવળીયાના હસ્તે અંદાજે ચાર હજાર જેટલા લાભાર્થીઓને કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ યોજના હેઠળના લાભો તથા સહાય વિતરણ થશે.

આ મેળામાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી ૩૬૨૦ લાભાર્થીઓને પ્રેશરકુકર તથા ગેસ સીલીન્ડર આપવામાં આવશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ૨૮ લાભાર્થીઓને વિવિધ વ્યવસાય માટેની કીટસ પુરી પાડવામાં આવશે. જયારે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવનાર છે. આ ઉપરાંત વિકલાંગ વ્યકતિઓ, સફાઈ કામદારો, મહિલાઓને પણ વિશેષ સહાય આપવામાં આવશે. સુરેન્દ્રનગરના આનંદ ભવન ખાતે સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.(૨૩.૩)

(12:05 pm IST)