Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

જસદણ-વિંછીયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઇ નાકિયા છકડો રિક્ષા ચલાવતા

આટકોટ તા. ૩ : જસદણ-વિંછીયા તાલુકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જાહેર થયેલ ઉમેદવાર અવસરભાઇ નાકિયા અગાઉ  છકડો રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા છકડો રીક્ષા ચલાવતા-ચલાવતા રાજકીય સફર છકડો રીક્ષાથી પણ વધુ સ્પીડથી ચલાવી આજે ધારાસભાના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા હતા. અવસરભાઇ નાકિયા વિંછીયા તાલુકાના આસલપુર ગામના રહેવાશી છે. તેમણે ધોરણ ૬ સુધીનો જ અભ્યાસ કર્યો છે. અભ્યાસ અધુરો છોડી ઘરકામમાં ખેતીમાં પિતાને મદદરૂપ થવા લાગ્યા હતા બાદમાં યુવાન વયે તેઓના જણાવ્યા મુજબ તેમના કાકા છકડો રીક્ષા ચલાવતા હોય કાકા રીક્ષા ચલાવી ઘેર આવે પછી અવસરભાઇ રીક્ષા લઇ ફેરામાં લાગી જતા હતા અને વિંછીયા આસલપુર વચ્ચે ફેરા કરતા હતાં.

મળતાવડા સ્વભાવને લીધે તેઓ ગ્રામ પંચાયતની ચૂંટણી લડયા જેમાં ચૂંટાઇ આવી ઉપસરપંચ બન્યા બાદ કુંવરજીભાઇ બાવળીયાના સંપર્કમાં આવતા કુંવરજીભાઇએ જીલ્લા પંચાયતની પીપરડી બેઠક ઉપર ટીકિટ અપાવતા ચૂંટાઇ ગયા હતાં.ત્યારબાદ વર્તમાન જીલ્લા પંચાયતની ત્રણેક વર્ષ પહેલા યોજાયેલ ચૂંટણીમાં ફરી વખત પીપરડી બેઠક ઉપરથી કુંવરજી બાવળીયાના આશીર્વાદથી ચૂંટણી લડી વિજેતા બન્યા બાદ કુંવરજીભાઇ બાવળીયાના અંગત હોવાના નાતે જીલ્લા પંચાયતમાં અઢી વર્ષ  ઉપપ્રમુખ રહ્યા હતા હાલ તેઓ જિલ્લા પંચાયતના સભ્યપદે ચાલુ છે.આ ઉપરાંત વચ્ચે થોડા સમય તેમણે હિરા ઉદ્યોગનાં વ્યવસાયમાં પણ નસીબ અજમાવ્યું હતું. હવે પૂર્ણ સમય રાજકારણમાંજ સમર્પિત છે આજે જયારે તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે, ત્યારે એટલું તો ચોક્કસ  કહી શકાય કે છકડો રીક્ષા કરતા તેમની રાજકીય સ્પીડ રોકેટગતિએ દોડવા લાગી છે.(૬.૧૦)

(1:46 pm IST)