Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

કુંવરજી બાવળીયાનો માર્ગ કઠીનઃ અનેક વિકરાળ પ્રશ્નો

કોંગ્રેસમાંથી ઓચિંતા આવવાના કારણે વર્ષેથી સામે લડનારાઓમાં છૂપો કચવાટઃ કોંગ્રેસ સંગઠીત થાય તો જીતવુ મુશ્કેલઃ શામ- દામ- દંડ- ભેદ તમામ રિત રસમ અપનાવાય તો પણ મતદારો અને સાતવજીની વ્યૂહરચના વેરી બની શકે છે પરેશ ધાનાણી સામેનું નિવેદન મોંઘુ પડી શકે કોળી મતદારોનો ઝૂકાવ હંમેશા કોંગ્રેસ તરફ રહ્યો છે તે મુખ્ય મુશ્કેલી

રાજકોટ તા. ૩ :.. વર્ષો સુધી કોંગ્રેસી ઉમેદવાર રહી ચુકેલા કુંવરજી બાવળીયા કેબીનેટ મંત્રી બન્યા બાદ હવે પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ સરકારનું પીઠબળ, શામ, દામ, દંડ, ભેદના શસ્ત્રો, ભાજપનું સંગઠન અને વ્યકિતગત તાકાત છતાં બાવળીયાના માર્ગમાં અનેકવિધ મજબુત કાંટા નજરે પડી રહ્યા છે. પાટીદાર, ખેડૂતોની સમસ્યા, પક્ષપલ્ટો, કોંગ્રેસની જબરી વ્યુહરચના અને વર્ષો સુધી ભાજપ સામે લડયા હોવાના કારણે ભાજપી આગેવાનો અને કાર્યકરોમાં રહેલ કચવાટ ત્થા રાજય સરકાર, કેન્દ્ર સરકાર વિરૂધ્ધની નારાજગીના કારણે કુંવરજી બાવળીયાનો માર્ગ કઠીન નજરે પડી રહ્યો છે.

આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજયના બન્ને મુખ્ય રાજકીય પક્ષો માટે આ ચૂંટણી એસીડ ટેસ્ટ જેવી છે. ગુજરાતના મતદારોમાં વિજયી મેસેજ મોકલવા બન્ને પક્ષોએ જબરદસ્ત રાજકીય શસ્ત્રો સજાવ્યા છે. કુંવરજી બાવળીયા સામે કોંગ્રેસ ગદારી અને પ્રજાદ્રોહના બ્રહ્મશસ્ત્રો લઇને મેદાને પડી છે અને કુંવરજી બાવળીયાના જ વર્ષો સુધી વફાદાર સાથી એવા કોંગ્રેસની નિતીને વરેલા અવસર નાકીયાને મેદાને ઉતારીને કોંગ્રેસ પણ જબરો ઘા માર્યો છે. કોંગ્રેસીઓ એક રહે અને નેક રહે તો ભાજપી ઉમેદવારને જોરદાર પછડાટ આપી શકાય તેવું વાતાવરણ હોવાનું કોંગ્રેસીઓ માને છે.

રાજકોટ જીલ્લા અને જદણ વિધાનસભા  બેઠક માટે વર્ષો સુધી કોંગ્રેસમાં સર્વેસર્વા રહેલા અને કોંગ્રેસ પક્ષે જેમનો હંમેશા પડયો બોલ જીલ્યો છે તેવા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસની નાવને મઝદારે છોડીને ભાજપની છાવણીમાં ધૂબાકો માર્યો અને કોંગ્રેસ છોડવાના દિવસે જ કેબીનેટ મંત્રીપદુ નકકી કરી લેતા જસદણની પ્રજા અને કોંગ્રેસી કાર્યકરોએ જોરદાર આઘાત અનુભવ્યો હતો.

બીજી તરફ જસદણ બેઠકની ભાજપ લોબીએ પણ વર્ષો સુધી જેમને હરાવતા તન-મન-ધનથી પ્રયાસો કર્યા તેમને પોતાના વરિષ્ઠ આગેવાન અને કેબીનેટ મંત્રી તરીકે સ્વિકારવા પડયા તેના કારણે પણ ભાજપ છાવણીમાં સોંપો પડી ગયો હતો જો કે બાવળીયાએ જેમને હરાવ્યા હતા અને ભાજપમાં જેઓ સર્વેસર્વા મનાતા હતા તેવા ભરત બોઘરાને ચૂંટણી પહેલા ચેરમેન બનાવીને મનાવી લેવાયા છે પરંતુ બાકીના આગેવાનોએ શું સમજવુ ? જો કે, અમુક ભાજપના આગેવાનો એ પણ ઉપરના મુદાઓના  કારણે કોંગ્રેસની વાટ પકડી લીધી છે.

કુંવરજી બાવળીયા જીતશે કે હારશે તેવી વાત કરીએ તો સમગ્ર રાજય નહી પરંતુ દેશભરના રાજકીય વિશ્લેષકોની નજર જસદણની ધારાસભા બેઠક તરફ મંડાઇ છે. આગામી લોકસભા ચૂંટણીમાં મતદારોનો મિજાજ શું છે ? પાટીદાર મતદારો શું કરશે ? વર્ષો સુધી જસદણના કોળી મતદારો પંજાને પ્રેમ કરતા આવ્યા છે ત્યારે આ ચૂંટણીમાં શું કરશે. સહિતના પ્રશ્નોએ ભારે ઉતેજના જગાવી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ઓબીસીનું નેતૃત્વ કરે છે ત્યારે તેમણે બે દિવસ પહેલા એવી સ્પષ્ટ વાત કરી હતી કે જસદણના મતદારોએ હંમેશા કોંગ્રેસ પર પસંદગી ઉતારી છે. જસદણ બેઠક પર કોંગ્રેસ જ વિજય બનશે તેવો સ્પષ્ટ આશાવાદ પ્રદેશ પ્રમુખે દર્શાવ્યો છે ત્યારે ભાજપના કેબીનેટ મંત્રી આસાનીથી જીતી જાય તેવી વાત પણ કોઇના ગળે ઉતરતી નથી.

રાજયમાં ખેડૂતોની વિવિધ સમસ્યા, નબળુ ચોમાસુ, ખાતર-બિયારણ મોંઘવારી, વિજળી-સિંચાઇ સહિતના પ્રશ્નોની ઉતર પક્ષ પલ્ટો, કોંગ્રેસને દીધેલ છેહ, પરેશ ધાનાણી, સામે કુંવરજીભાઇએ કરેલ 'ફુંક મારૂ તો' વાળુ નિવેદન, સ્થાનીક ભાજપમાં રહેલ છૂપો કચવાટ, કોંગ્રેસ કોળી આગેવાનોની એકતા સહિતની બાબતો કુંવરજી બાવળીયાની રાજકીય કારર્કીદી ઉપર જોખમ બનીને ત્રાટકી શકવાની શકયતાઓ વચ્ચે હાલ તો જસદણની પેટા ચૂંટણીએ જબરી ઉતેજના જગાવી છે.

સ્થાનિક કક્ષાએ એવુ પણ ચર્ચાઇ રહયુ છે કે બહારની ઉતરી પડેલી ભાજપની ફોજ કુંવરજી બાવળીયાને બચાવી શકશે ? કુંવરજી બાવળીયા સ્થાનીક કક્ષાએ કોળી મતદારોને ભાજપના નિશાન કમળ ઉપર મતદાન કરવા માટે તૈયાર કરી શકશે ?

વર્ષો સુધી કોંગ્રેસ પ્રતિક સાથે ચૂંટાયેલા કુંવરજી બાવળીયા અગાઉ અનેકવિધ આક્ષેપો કરી ચૂકયા છે. બાવળીયા અટકને અનુલક્ષીને ભાજપની ટોચની નેતાગીરી જસદણ ખાતે વ્યંગબાણોનો વરસાદ વરસાવી ચૂકી છે ત્યારે કોંગ્રેસની નાવને મઝધારે છોડનાર કુંવરજી બાવળીયાની નાવ સહી સલામત કિનારે પહોંચશે કે 'મઝધાર' કા બદલા 'મઝધાર' ? આ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

એક તરફ કુંવરજી બાવળીયા સામે અનેકવિધ પડકારો ઉભા થતા ચૂંટણી જીતવાનો માર્ગ કઠીન બન્યો છે ત્યારે જસદણની પેટાચૂંટણી ને પ્રતિષ્ઠાનો સવાલ બનાવનાર કોંગ્રેસનાં રાજય પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણી અભેદ્ય વ્યુહરચના ઘડી રહ્યા છે ત્યારે જસદણ પેટાચૂંટણી માટે કુંવરજી બાવળીયાનું શું થશે ? તે પ્રશ્ને ભારે ગરમાવો ઉભો થયો છે. (પ-૧૦)

(11:04 am IST)