Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

જસદણમાં બાવળિયા - અવસર નાકિયાની વચ્ચે સીધો જંગ થશે

કોંગ્રેસ દ્વારા અવસર નાકિયાની પસંદગી કરાઈ : સ્થાનિક જનતાની સાથે દ્રોહ કરનારા કુંવરજી બાવળિયાને જસદણની પ્રજા જાકારો આપશે : અમિત ચાવડાનો દાવો

અમદાવાદ,તા. ૨ : છેલ્લા કેટલાક દિવસોના આંતરિક વિખવાદ અને માથાપચ્ચી અને મથામણ બાદ આખરે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા જસદણની પેટા ચૂંટણી માટે જસદણના સ્થાનિક કોળી સમાજના આગેવાન અને મજબૂત નેતા એવા અવસર નાકીયાને કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જસદણ બેઠક માટે અવસર નાકીયાના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. હવે આવતીકાલે અવસર નાકીયા જસદણમાં સ્થાનિક લોકોના આશીર્વાદ મેળવવા એક જાહેરસભા-સરઘસને સંબોધન કરી જસદણની બેઠક માટે વિધિવત્ ઉમેદવારી ફોર્મ ભરશે. અવસર નાકીયાના નામની જાહેરાત કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ અને સ્થાનિક જનતા સાથે દ્રોહ કરનારા કુંવરજી બાવળિયાને જસદણની પ્રજા જાકારો આપશે અને કોંગ્રેસને જસદણની જનતા જીતાડશે. જસદણની જનતાના આશીર્વાદ કોંગ્રેસની સાથે હતા, છે અને રહેશે. જસદણની બેઠક પર કોંગ્રેસના અવસર નાકીયા જંગી બહુમતીથી જીતશે તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો. જસદણની બેઠક પર ભાજપે તેના સત્તાવાર ઉમેદવાર કુંવરજી બાવળિયના નામની પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી અને બે દિવસ પહેલાં જ બાવળિયાએ તેમનું ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધુ હતું. પરંતુ કોંગ્રેસ છોડી કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ માટે હવે આ પ્રતિષ્ઠા અને ઇજ્જતનો સવાલ બની ગયો છે. કોંગ્રેસ માટે આ બેઠક જીતવાનું અનિવાર્ય હોઇ મજબૂત અને વિજયી બને તેવો જ ઉમેદવાર મૂકવો કોંગ્રેસની સ્થાનિક નેતાગીરીથી લઇ ખુદ કોંગ્રેસ હાઇકમાન્ડ માટે માથાના દુઃખાવા સમાન પ્રશ્ન બન્યો હતો. કારણ કે, આ બેઠકને લઇ અવસર નાકિયા, ભોળાભાઇ ગોહિલ, ગજેન્દ્ર રામાણી સહિતના નામોની દાવેદારી ચાલી રહી હતી. નામની પસંદગી અને દાવેદારીને લઇ કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક કલહ અને વિખવાદની વાત પણ સપાટી પર આવી હતી, જેને લઇ જસદણ બેઠકના ઉમેદવારની સમગ્ર પસંદગી પ્રક્રિયા વિલંબિત થઇ હતી. જો કે, કોંગ્રેસ હાઇકમાન્ડે સ્થાનિક મતોના ગણિત, રાજકારણ અને પ્રજાના મિજાજ સહિતના સઘળા પાસા ધ્યાનમાં લઇને આખરે જસદણ બેઠક માટે સ્થાનિક કોળી સમાજના આગેવાન અને મજબૂત માથુ ગણાતા અવસર નાકીયા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અવસર નાકીયાના નામની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, અવસરભાઇ કોળી સમાજના આગેવાન છે અને જસદણની જનતાના લોકપ્રિય નેતા હોઇ હાઇ કમાન્ડે તેમની પર પસંદગી ઉતારી છે. સત્તાની લાલચમાં કોંગ્રેસ પક્ષ અને જસદણની પ્રજા સાથે દ્રોહ કરનારા કુંવરજી બાવળિયાને જસદણની જનતા માફ નહી કરે અને આગામી મતદાનમાં જસદણની પ્રજા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાને તેમના આશીર્વાદ આપી જંગી બહુમતીથી જીતાડશે. આજે ભાજપ અને મોદી સરકારના શાસનમાં મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા, મહિલાઓ પર અત્યાચાર સહિતના અનેક મુદ્દાઓને લઇ પ્રજા ત્રસ્ત છે, તેથી આગામી લોકસભાની ચૂંટણીમાં પણ પ્રજા તેના મિજાજનો પરચો ભાજપને આપશે.

દરમ્યાન જસદણના સત્તાવાર ઉમેદવાર અવસર નાકીયાએ જણાવ્યું હતું કે, આ બેઠક પર કોંગ્રેસ તરફથી દાવેદારી કરનાર અન્ય તમામ ઉમેદવારનો તેઓ આભાર માને છે. જસદણની પ્રજા માટે હું સતત કામ કરતો આવ્યો છું અને પ્રજાહિતના કાર્યો કરતો રહીશ. મને વિશ્વાસ છે કે, જસદણની જનતા તેના આશીર્વાદથી મને જંગી બહુમતીથી વિજયી બનાવશે. હવે આવતીકાલે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સ્થાનિક જાહેરસભા અને સરઘસ કાઢયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

(11:23 pm IST)