Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

એસટી તંત્રની મનમાની સામે રોષઃ ગોંડલથી બાયપાસ દોડાવવામાં આવે છે ૩૦૦ થી વધુ બસો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩: ગોંડલ શહેર ધાર્મિક અને પ્રવાસનની દ્રષ્ટિએ અત્‍યંત મહત્‍વનું સ્‍થાન સાથે સૌરાષ્ટ્રનું અગ્રીમ માર્કેટ યાર્ડ ધરાવતું હોવા છતાં એસટી તંત્ર દ્વારા વ્‍હાલા દવલાની નીતિ દાખવાતી હોય ૩૦૦ થી વધુ બસો બાયપાસ ચલાવવામાં આવે છે. જેના પરિણામે હજારો મુસાફરોને યાતના ભોગવી પડી રહી છે.

આ અંગે શહેર ભાજપ ઉપપ્રમુખ દિવ્‍યેશભાઈ સાવલિયા તથા યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા દ્વારા એસટીના ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરતા જણાવ્‍યું હતું કે હાલ આશરે ૩૦૦ થી વધુ વધુ બસો બાયપાસ દોડે છે સાથે પરિસ્‍થિતિ એટલી હદે વણસી છે કે લોકલ બસો પણ બસ સ્‍ટેન્‍ડ આવવાની જગ્‍યાએ બારોબાર દોડે છે તેમ છતાં એસટી તંત્ર મૌન ધારણ કારી બેઠું છે. શહેરમાં વિશ્વિખ્‍યાત અક્ષરમંદિર, ભુવનેશ્વરી મંદિર અને રાજાશાહી વખતથી જેમની નામના છે તેવી રજવાડી ધરોહર નૌલખા પેલેસ પ્રવાસન સ્‍થળમાં આગવી વિશેષતા ધરાવતા હોવા છતાં બસોની સગવગડતા આપવાની જગ્‍યાએ એસટી તંત્ર દ્વારા આટલી બસો બાયપાસ દોડાવવા અંગે યોગ્‍ય કરવા કુલદીપસિંહ જાડેજા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.(તસવીરઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ)

(10:21 am IST)