Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મોરબી દુર્ઘટનામાં રાજકોટનાં પરિવારનાં 12 જેટલા સભ્યોનો ચમત્કારિક બચાવ:મોતને હાથતાળી આપી હેમખેમ પરત ફર્યો

એક સેકન્ડ માટે મોત નજર સામે દેખાઈ ગયું : પુલ પર ભારે ભીડ હોવા છતાં પુલ પર ગયા :બરોબર વચ્ચે પહોંચ્યાં ત્યાં જ આખો પુલ ધરાશાયી: જેનીશભાઈએ વર્ણવી દિલધડક દાસ્તાન

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટના સામે આવી હતી. જેમાં સત્તાવાર આંકડા મુજબ 134 લોકોના મોત નિપજ્યા હતા. જોકે આ દુર્ઘટનામાં રાજકોટનાં પરિવારનાં 12 જેટલા સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો. અને મોતને હાથતાળી આપી આખો પરિવાર હેમખેમ પરત ફર્યો હતો. યુનિવર્સિટી રોડ પાસે રહેતા આ પરિવારનાં જેનીશભાઈ વસાણીએ જણાવ્યું કે, એક સેકન્ડ માટે મોત નજર સામે દેખાઈ ગયું હતું. જોકે સદનસીબે અમે બધા હેમખેમ પરત ફર્યા હતા.

 

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન નોવા ફલેટમાં રહેતા અને બિઝનેસમેન જેનીશ વસાણીએ કહ્યું હતું કે, મોરબીમાં રહેતા તેમના માસી અને માસાના આગ્રહથી રવિવારે પત્ની કોમલબેન અને પુત્ર સહિતના 12 સભ્યો મોરબી ગયા હતા. સવારે માસીના પરિવાર અને પિતરાઇ ભાઇ-બહેનો સાથે રજાની મજા માણ્યા બાદ બપોરે માસીના અને અમારા બન્ને પરિવારના 12 સભ્યો ઝુલતા પુલ પર ગયા હતાં. પુલ પર ભારે ભીડ હોવા છતાં પુલ પર ગયા હતા. અમે બરોબર વચ્ચે પહોંચ્યાં ત્યાં જ આખો પુલ ધરાશાયી થયો અને 11 સભ્યો પાણીમાં પડયા હતા. જોકે, ઘરના વડીલ માસી, મમ્મીએ ઉંમરના લીધે ઘીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું ત્યાં જ આ ઘટના બની હોવાથી તેઓ બચી ગયા હતાં.

 

જયારે પોતે અને પત્ની કોમલબેન તેમજ તેમનો 12 વર્ષીય પુત્ર અને પિતરાઈ ભાઈ-બહેન પાણીમાં પડયા હતાં. પરંતુ થોડુ થોડુ સ્વિમિંગ આવડતું હોવાથી સેફટી ગ્રીલ હાથમાં આવી ગઈ હતી. જેમાં આંગળી પરોવીને અડધો કલાક સુધી લટકતા રહ્યા બાદ સહી સલામત રીતે કિનારે આવ્યા હતા. જોકે, પુલ પરથી પડયા હોવાથી અમુકને હાથ અને પગમાં ફ્રેકચર અને અન્ય ઈજાઓ પહોંચી છે. છતાં મોતના મોઢામાંથી જીવતા ફરવાનો આનંદ પણ થાય છે. ત્યાંની પરિસ્થિતિ અંગે જેનીશભાઈએ કહ્યું હતું કે, નજર સામે નાના-નાના બાળકો દમ તોડી રહ્યા હતાં. અને માતા-પિતાની આંખોમાંથી લાચારી તેમજ વેદનાના આંસુ વહી રહ્યા હતાં. અને મોતનું તાંડવ જ સર્જાયું હોવાનું જણાઇ રહ્યું હતું.

  વધુમાં તેમણે કહ્યું કે, જયારે અમે પુલ ઉપર પહોંચ્યા ત્યારે જ 500થી વધુ જેટલા લોકો જોવા મળ્યા હતાં. આ ભીડને જોઇને એક મિનિટ માટે તો ન જવાનું મન પણ થયું હતું. જોકે અહીં સુધી આવ્યા અને આ પુલ નવો જ બન્યો હોવાથી કોઇ દુર્ઘટના થાય તેવી શકયતા પણ લાગતી નહીં હોવાથી અમે પુલ પર ગયા હતા. આ તકે ભારે ભીડ તો હતી જ સાથે કેટલાક ટીખળખોરો પુલને પગેથી લાતો મારી રહ્યા હતાં. અને બધાએ તેમને ટોકયા છતાં તેઓ માન્યા ન હતાં. ઘણા લોકોએ રોડો પણ નાખી હતી. કે ટ્રાફિક વધુ હોવાથી દુર્ઘટના થવાની શક્યતા છે. પણ આ યુવાનોએ વાત ન માની અને અંતે આ મોતનું તાંડવ સર્જાયું હતું. પાણીમાં અમારો આખો પરિવાર પણ એ સમયે અલગ થઇ ગયો હતો. પરંતુ ભગવાનની કૃપાથી અમારી જીંદગીઓ બચી ગઈ છે.

(9:51 pm IST)