Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પોરબંદરમાં કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી બાદ સરકારી હોસ્પિટલના સફાઇ કામદારોના પગાર ચુકવવા ખાતરી અપાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૩૦: બંને સરકારી હોસ્પિટલમાં નિષ્ઠાથી ફરજ બજાવતા સફાઇ કામદારોને મહિનો પૂરો થઇ ગયો હોવા છતાં પગાર ચુકવવામાં આવ્યો ન હતો. કોન્ટ્રાકટ  બેઇઝ એવા આ સફાઇ કર્મચારીઓને દિવાળીના તહેવારો સમયે પણ પગાર નહીં ચુકવતા આર્થિક રીતે તેઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. તેમની મદદે કોંગ્રેસના આગેવાનો દોડી ગયા હતા અને તેમના દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારતા ૨૪ કલાકામં જ પગારના ચુકવાણાની ખાત્રી અપાતા કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

સરકારી ભાવસિંહજી હોસ્પિટલ અને રૂપાળીબા લેડી હોસ્પિટલમાં અંદાજે ૬૦ જેટલા સફાઇ કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. કોરોનાના કપરા કાળમાં પણ તેઓએ રજા રાખ્યા વગર જીવના જોખમે પોતાની કામગીરી કરી હતી. તાજેતરમાં મહિનો પુર્ણ થઇ ગયો હોવા છતાં આ સફાઇ સૈનિકોનો પગાર અપાયો ન હતો તેથી આર્થિક રીતે મુશ્કેલીમાં ફસાયેલા આ કર્મચારીઓને દિવાળીના સમયે જ રોજીરોટી મેળવવામાં પણ મોટી પરેશાની વેઠવી પડતી હતી. આથી તેોએ વારંવાર રજુઆત કરી હોવા છતાં કોન્ટ્રાકટરોએ પગાર ચુકવ્યો નહીં હોવાથી સફાઇ કામદારોએ કોંગ્રેસી આગેવાનોને જાણ કરી હતી. અને મદદરૂપ બનવા માટે રજુઆત કરી હતી.

જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા તેમજ રામદેવભાઇ મોઢવાડીયા કોંગ્રેસ આગેવાન પોરબંદર શહેર પ્રમુખ અતુલભાઇ કારીયા તથા કોંગ્રેસના આગેવાનો નાથાભાઇ અરભમભાઇ પરમાર, જીવનભાઇ જુંગી, ધર્મેશભાઇ પરમાર, કિશનભાઇ રાઠોડ, દિલાવર જોખીયા, હરીશભાઇ મજીઠીયા, આનંદ પુંજાની, ભરત જોષી, વિપુલ ચંદારાણા દ્વારા ભાવસિંહજી હોસ્પિટલમાં સફાઇ કર્મચારીઓને પગાર ન મળ્યો હોઇ તેથી તમામ સફાઇ કર્મચારીઓને સાથે રાખી હોસ્પીટલના વહીવટી અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી કે દિવાળી આવતી હોય અને બોનસ આપવાની જગ્યાએ તંત્ર દ્વારા કર્મચારીઓને પોતાના હકકનો પગાર પણ નથી ચુકાવતા તેઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને જો પગાર ચુકવામાં નહી આવે તો આંદોલન કરવામાં આવશે. ઉગ્ર રજૂઆત બાદ વહીવટી અધિકારી દ્વારા ખાત્રી આપવામાં આવી કે આ તમામ કર્મચારીઓને તેમનો પગાર ચૂકવવામાં આવશે. કોંગ્રેસના સીનીયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઇ મોઢવાડીયાએ કરતા જણાવ્યું હતું કે પોરબંદર સહિત રાજયની અનેક સીવીલ હોસ્પિટલોમાં વર્ગ ૩ અને વર્ગ-૪ ના કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓનું મોટાપાયે આર્થિક અને કામગીરીની બાબતમાં શોષણ થઇ રહ્યું છે.

(12:45 pm IST)