Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

વેકસીનના બંને ડોઝ લેનાર જુનાગઢ મનપાના અધિકારી સંક્રમિત

જુનાગઢ જિલ્લામાં એક જ દિવસમાં નવા ૬ કોરોના કેસ આવતા ચિંતા

(વિનુ જોષી) જુનાગઢ તા.૩ : વેકસીનના બંને ડોઝ લેનાર જુનાગઢ મનપાના એક અધિકારી સંક્રમિત થયા હોવાનું અને જિલ્લામાં એક જ દિવસમાં નવા ૬ કેસ આવ્યા હોવાનંું જાણવા મળેલ છે.

દિવાળી તહેવાર શરૂ થઇ ગયો છે. લોકો તહેવારની ઉજવણીમાં મશગવુલ બન્યા છે બજારોમાં લોકોની ભીડ પણ બેકાબુ બનવા લાગી છે ત્યારે જુનાગઢ જિલ્લામાં કોરોના વિસ્ફોટ થતા મંગળવારે એક જ દિવસમાં ૬ કેસ નોઁધાયા હતા.

જુનાગઢ શહેરમાં ગઇકાલ સુધી કોરોનાથી રાહત હતી પરંતુ મંગળવારે એક જ દિવસમાં ત્રણ કેસ નોંધાતા તંત્રમા દોડધામ મચી ગઇ હતી.

મેંદરડામાં બે અને માંગરોળમાં એક નવા કેસની એન્ટ્રી થતા જિલ્લામાં ગઇકાલે ૬ કેસનો વધારો થયો હતો. કોરોનાના કેસ વધવાની સાથે જ કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છ. જિલ્લામાં હાલ ૯ કન્ટેન્મેન્ટ ઝોનમાં ૯ ઘરના ૨૩ લોકો કેદ થયા છે.

દરમ્યાન જુનાગઢ મનપાના એક અધિકારીને પણ કોરોના થયો હોવાનું જાણવા મળેલ છે.

કોર્પોરેશનમાં એકથી વધુ ચાર્જ ધરાવતા આ અધિકારીએ વેકસીનના બન્ને ડોઝ લઇ લીધા હોવા છતા તેઓ સંક્રમીત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

કોરોના વધવાની સાથે લોકો પણ બેદરકાર બન્યા હોય તેમ બજારોમાં જોવા મળતી ભીડને કારણે સંક્રમણ વધવાની શકયતા નકારી શકાતી નથી.

(12:45 pm IST)