Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

હિરાની ડીમાન્ડ વધતા અમરેલી જીલ્લામાં કારખાનેદારો અને રત્ન કલાકારોમાં ખુશાલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧ :.. અમરેલી જિલ્લામાં અગાઉ વૈશ્વિક મંદી અને બાદમાં કોરોના કારણે સતત મંદીનો માહોલ રહ્યા બાદ છેક ૮ વર્ષ પછી આ વર્ષ ફરીથી હિરાની ડીમાંડ વધતા તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને દિવાળીના સમયમાં હીરાના કારખાનાઓ મોડી રાત સુધી ધમધમી રહ્યા છે. તેજીના કારણે રત્ન કલાકારો અને કારખાનેદારોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગેની વિગતો આપતા અમરેલી જિલ્લા ડાયમંડ એસો. ના પ્રમુખ લલીતભાઇ ઠુંમરે જણાવ્યું કે, અમરેલી શહેર ઉપરાંત લાઠી, દામનગર, બાબરા, સાવરકુંડલા, વડીયા, કુંકાવાવ સહિતના વિસ્તારોમાં મુખ્યત્વે હિરાના કારખાનાઓ આવેલા છે અને જિલ્લામાં ખેતીવાડી પછી સૌથી મોટો વ્યવસાય છે.

છેલ્લા આઠ વર્ષ બાદ આ વર્ષ અમરેલીની હીરાબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને રોજનું ૩ થી ૬ કરોડ જેટલું હીરાનું ટ્રાન્ઝેકશન છે. વૈશ્વિક માર્કેટમાં હીરાની ડીમાન્ડ હોવાના કારે આ વર્ષ હિરાબજારમાં તેજી છે. કોરોના પછી 'થમ વખત જ દિવાળીના સમયે વહેલી સવારે ૬ વાગ્યાથી શરૂ થઇ ને રાત્રીના ૮ વાગ્યા સુધી હીરાના કારખાનાઓ ધમધમતા જોવા મળી રહ્યા છે. આના કારણે કારખાનેદારો અને રત્ન કલાકારોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી રહી છે. કોરોના કાળમાં દિવાળી સમયે મહિના અગાઉથી જ કારખાનાઓ બંધ થઇ ગયા હતાં. જયારે આ વર્ષ દિવાળીમાં રત્ન કલાકારોને મહિને રૂ. ૩૦ હજાર સુધીનું કામનું વળતર મળ્યું છે અને દિવાળી પહેલા ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. અમરેલી જિલ્લામાં હાલમાં ૯પ૦ હિરાના કારખાનાઓ છે અને તેમાં ૪પ હજાર રત્ન કલાકારો કામ કરી રહ્યાં છે.

(12:43 pm IST)