Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જસદણ સ્મશાનમાં આજે રાત્રે વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધ્ધા નાબુદી કાર્યક્રમ : સ્મશાનમાં લાઇટ ડેકોરેશન

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૩ : જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામ ખાતે વિજ્ઞાન જાથા દ્વારા આજે તારીખ ૩-૧૧ ને બુધવારે રાત્રે અંધશ્રદ્ઘા નાબૂદી અંગેનો રાજય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.ભારત જન વિજ્ઞાન જાથા ચેરમેન ડો. જયંતભાઈ પંડયાના જણાવ્યા મુજબ વિજ્ઞાન જાથા દ્વારા જસદણ ખાતે સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામ ટ્રસ્ટના સહયોગથી કાળી ચૌદશને દિવસે રાત્રે રાજયકક્ષાનો અંધશ્રદ્ઘા નાબૂદી કાર્યક્રમ યોજાશે. તારીખ ૩-૧૧ ને બુધવારે કાળી ચૌદસની રાત્રે ૯ કલાકે જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામ સ્મશાન ખાતે સ્મશાનના ખાટલે બેસી ને ભજીયા વડા ખાવામાં આવશે. તેમજ મેલીવિદ્યાની નનામી કાઢીને તેની ગેરમાન્યતાને ભસ્મીભૂત કરવામાં આવશે. ભૂતપ્રેતનું સરઘસ કાઢીને તેનો ભય દૂર કરવામાં આવશે. ચાર રસ્તે વડા મૂકવાનો રિવાજ બંધ કરવા સહિતના અંધશ્રદ્ઘા નાબૂદી અંગેના કાર્યક્રમો સ્મશાન ગૃહ ખાતે યોજાશે.

આ જાહેર કાર્યક્રમમાં જસદણના અંધશ્રદ્ઘા નાબૂદી ઈચ્છતા તમામ શિક્ષિત લોકોએ ઉપસ્થિત રહેવા મોક્ષ ધામના જે. ડી. ઢોલરિયાએ અનુરોધ કર્યો છે. આ કાર્યક્રમ અંગે વિજ્ઞાનજાથા જસદણ ટીમ દ્વારા વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને અંધશ્રદ્ઘાના નાબુદીના કાર્યક્રમમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. આ અંધશ્રદ્ઘા નાબૂદી કાર્યક્રમ પ્રસંગે જસદણનાં મોક્ષધામ ખાતે અદ્યતન લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે.

(11:36 am IST)