Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ગોંડલના મોવિયા ગામે મજુર પ્રૌઢને પતાવી દેનાર સગીર પુત્ર અને સાળાની ધરપકડ

મૃતક સુરસિંગ દારૂ પીવામાં રૂપિયા વેડફી નાખતો હોય અને અવારનવાર ઝઘડા કરતો હોય કંટાળી જઈ પુત્ર તથા તેના મામાએ ઢીમ ઢાળી દીધું: રૂરલ ક્રાઈમ બ્રાંચ અને તાલુકા પોલીસે ભેદ ઉકેલ્યો

રાજકોટ, તા. ૩ :. ગોંડલના મોવિયા ગામે મજુર પ્રૌઢની હત્યાનો રૂરલ ક્રાઈમ બ્રાંચ અને તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખી સગીર પુત્ર અને તેના મામાની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના મોવિયા ગામે ભાવેશભાઈ વઘાસીયાની વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા સુરસિંગ પલજીભાઈ રાઠવા (ઉ.વ.૫૦) રહે. મૂળ ગામ ટીંબલી, તા. જી. છોટાઉદેપુરને ગઈકાલે રાત્રે વાડીના રસ્તામાં કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ હતું. આ હત્યાનો ભેદ ઉકેલવા રૂરલ એસપી બલરામ મીણાએ રૂરલ ક્રાઈમ બ્રાંચ તથા સ્થાનિક પોલીસની બે ટીમો બનાવી હતી. આ બન્ને ટીમોએ વાડીની આજુબાજુમાં રહેતા વાડી માલિકો તથા સ્થાનિક મજુરોની પૂછપરછ કરી હતી અને પોલીસ તપાસમાં મૃતક સુરસિંગ દારૂ પીવાની ટેવવાળો હોય અને પરિવારજનો સાથે અવારનવાર ઝઘડો કરતો હોય તેની હત્યામાં કોઈ પરિચીતની સંડોવણી હોવાની શંકાએ મૃતકના શાળા શંકર ભુરલાભાઈ કીકેરીયા (આદિવાસી) રહે. મુળ બહડીયાની ચોકી, પટેલ ફળીયા તા. ચાંદપુર, જિલ્લો અલીરાજપુર (એમ.પી.)ને સકંજામાં લઈ પૂછપરછ કરતા તેણે તથા મૃતકના સગીર પુત્રએ હત્યા કર્યાની કબુલાત આપી હતી.

પોલીસ પૂછપરછમાં પકડાયેલ શંકરે એવી કબુલાત આપી હતી કે મૃતક તેના બનેવી સુરસિંગ દારૂ પીવામા રૂપિયા વેડફી નાખતો હોય અને અવારનવાર પરિવારજનો સાથે ઝઘડા કરતો હોય તેના પરિવારજનો કંટાળી ગયા હતા. બનાવના દિવસે મૃતક સુરસિંગ પોતાના શેઠ પાસેથી રૂપિયાનો ઉપાડ કરી ચિક્કાર દારૂ પી જતા વાડીના રસ્તા ઉપર બેશુદ્ધ હાલતમાં પડેલ હોય તેની જાણ પોતાને તથા તેના સગીર પુત્રને થતા તેઓ બન્ને બનાવવાળી જગ્યાએ ગયા હતા અને આવેશમાં આવી સુરસિંગના માથામાં પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

બનેવીને મોતને ઘાટ ઉતારનાર પકડાયેલ સાળા શંકરની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. તેમજ હત્યામાં સામેલ મૃતકના સગીર પુત્રને પણ સકંજામાં લીધેલ છે.

આ હત્યાનો ભેદ ઉકેલવામાં રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.આર. ગોહિલ, પીએસઆઈ એસ.જે. રાણા, હેડ કોન્સ. મહીપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પો.કો. પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઈ બોહરા તેમજ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એમ.જે. પરમાર, પીએસઆઈ ડી.પી. ઝાલા, હેડ કોન્સ. બી.બી. ખાચર, પો.કો. રઘુભાઈ ઘેડ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, જયદેવભાઈ ગઢવી તથા શકિતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(12:41 pm IST)