Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

વિરપુરમાં સંતશ્રી પૂ. જલારામ બાપાની રર૦ મી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણીઃ દેશ વિદેશથી ભકતો બાપાના દર્શનાર્થે ઉમટયા

બાપાના દર્શન માટે વહેલી સવારે ૩ વાગ્યાથી જ ભકતો કતારમાં ઉભા જોવા મળ્યા હતાઃ વિરપુર જલારામ મંદિરે શ્રધ્ધાળુઓએ બાપાના દર્શન,આરતી,મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી

જેતપુર નજીકનાં વિરપુર જલારામ ધામમાં આજે રાષ્ટ્રીય સંઘ પૂ.જલારામબાપાની રર૦મી જન્મજયંતિ ઉજવણી ચાલતી હોય માત્ર વિરપુર જ નહીં સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશ-વિદેશથી  બાપાના ભકતો દર્શનાર્થે ઉમટ્યા છે. ભકતોને બાપાના દર્શનની એટલી બધી તાલાવેલી જાગી હતી કે મંદિર બહાર વહેલી સવારે ૩ વાગ્યાથી ભકતોએ લાઇનો લગાવી હતી. તસ્વીરમાં પહેલી તસ્વીરમંદિરમાં બિરાજમાન  પૂ. જલારામ બાપા બીજી તસ્વીરમાં જલારામબાપાની જન્મજયંતિ નિમિત્તે બનાવેલ કેક ત્રીજી તસ્વીર પૂ. જલારામબાપાને ધરાવેલ છપ્પન ભોગ અન્નકોટ ત્યારબાદ બાપાના મંદિર મહાપ્રસાદ લેવા શિષ્તબંધ્ધ કતારમાં ઉભેલા ભકતો નજરે પડે છે. (તસ્વીર ભાવેશ ભોજાણી, ગોંડલ)

રાજકોટઃ જેતપુર નજીક રાષ્ટ્રીય  સંત પૂ. જલારામ બાપા ની રર૦ મી જન્મ જયંતિની વિરપુર જલારામ મંદિરે ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી રહી છે.

આજે પૂ. જલારામ બાપાની જન્મ જયંતિએ  માત્ર વિરપુર જ નહિ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત દેશ વિદેશથી પણ બાપાના ભકતો દર્શનાર્થે ઉમટી પડયા છે.

પૂ. જલારામ બાપાના જન્મને વધાવવા અને દર્શન-પ્રસાદનો લાભ લેવા આવેલ ભકતો પૂ. જલારામ બાપાના દર્શન માટે  ભારે અધીરા બન્યા હતા. પૂ. બાપાના દર્શન માટઠે ભકતો વહેલી સવારે ૩-૦૦ વાગ્યાથી જ કતારમા ઉભા રહી ગયા હતા.  આજે પૂ. જલારામ બાપાની રર૦ મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે મંદિરે વહેલી સવારથી જ ભકતોની ભારે ભીડ સાથે ચહલપહલ જોવા મળી હતી.

વિરપુરની બજારોમાં પણ ભકતોની ગીર્દી વચ્ચે ભારે સજાવટ  જોવા મળી હતી. વિરપુરની બજારો પણ વહેલી સવારથી જ ખુલી ગયેલી હતી.  લોકોએ બાપાને ધરવા માટે નાળીયેર તેમજ પ્રસાદીની ખરીદી કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વમાં આ એક વિરપુર ધામનુ જલારામ મંદિર છે ત્યાં કોઇ પણ રોકડ રકમ દાન કે ભેટ તરીકે સ્વીકારાતી  નથી.

પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ નિમીતે વહેલી સવારે બાપાની મંગળા આરતીમાં ભકતોના ઘોડાપુર ઉમટયા હતા.  ભાવિકોનો ઘસારો એવો હતો અને મંદિર દ્વારા વ્યવસ્થા પણ સુંદર ગોઠવાય હોય કોઇ અવ્યવસ્થા જોવા મળી ન હોતી.

વહેલી સવારે આરતી બાદ દર્શન બાદ ભાવિકો કતારબધ્ધ લાઇનમાં બાપાનો પ્રસાદ લેવા માટે ગોઠવાયા હતા.  ત્યાં પણ હજારો ભાવિકોએ શિસ્તબધ્ધ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

આજે વિરપુર જલારામ ધામમાં ઠેર-ઠેર જય જલીયાણ નો નાદ ગુંજી રહ્યો છે. બજારોમાં ભકતો ઉમંગભેર પોતાના તથા પરિવારના સભ્યો માટે મનપસંદ વસ્તુઓ ખરીદ રહ્યા છે.

આજે તમામ ધંધાર્થીઓને વિરપુરની બજારમા વેપારમાં તડાકો પડયો છે. વેપારીઓના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી રહી છે.

આજે આખો દિવસ વિરપુરમાં ભકતોનો અવિરત પ્રવાહ પૂ. જલારામ બાપાના દર્શન માટે ચાલુ રહેશે.

(2:11 pm IST)