Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

સોમનાથમાં બિરાજેલ મહાદેવ સામે વાવાઝોડું નબળું પડી ગયું

શ્રદ્ધાળુ ભકતોની ધાર્મિક આસ્થાનો વિજય થયો : વર્ષ ૨૦૧૪ બાદથી આઠ કરતા વધારે વાવાઝોડાની ઘાત સૌરાષ્ટ્રના માથેથી ટળી છે : મહાનો ખતરો ટળતાં રાહત

અમદાવાદ, તા.૨ : છેલ્લા ચાર દિવસમાં બીજું અને ચાર મહિનામાં ત્રીજું મોટું અને વિનાશક એવું મહા વાવાઝોડું આગામી તા.૬-૭ નવેમ્બરના રોજ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી હવામાન ખાતાએ આગાહી કરી હતી પરંતુ હવે આ વાવાઝોડું ત્રાટકવાનો ખતરો હાલ પૂરતો તો ટળી ગયો છે પરંતુ તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજયના અનેક વિસ્તારોમાં વર્તાવાની છે તે નક્કી છે.

               જો કે, નોંધનીય વાત એ છે કે, ૨૦૧૪ની સાલથી અત્યારસુધીમાં આઠ કરતાં વધુ વાવાઝોડાની ઘાત સૌરાષ્ટ્રના માથેથી ટળી ગઇ છે, જેનું કારણ  લાખો-કરોડો શ્રધ્ધાળુ ભકતોની જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ પ્રત્યેની ધાર્મિક આસ્થા છે. સોમનાથ કાંઠે બિરાજમાન સોમનાથ મહાદેવ સામે આખરે મહા વાવાઝોડુ પણ નબળુ પડી ગયું છે અને ફરી એકવાર ભકતોની ભકિત જાણે જીતી ગઇ છે. આ વખતે પણ વેરાવળ જ મહા વાવાઝોડાની લપેટમાં આવશે તેવી દહેશત હતી પરંતુ વેરાવળકાંઠે રહેલા જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ સામે આ મહા વાવાઝોડું નબળું પડી જશે અને દરિયામાં જ ફંટાઈ જશે અથવા શમી જશે તેવો સ્થાનિક લોકોને દૃઢ વિશ્વાસ હતો. અગાઉ પણ જૂન મહિનામાં વાયુ સાઈક્લોન વેરાવળના દરિયાકાંઠે ત્રાટકશે જ તેવી દહેશત હતી,

                  પરંતુ છેલ્લી ઘડીએ વેરાવળને જાણે સ્પર્શ કરીને વાયુ વાવાઝોડું દરિયામાં પાછું ફંટાઈ ગયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર તરફ વધેલા પણ ત્રાટકી ન શકેલા વાવાઝોડામાં કયારે વાવાઝોડું (૨૯ ઓક્ટોબર, ૨૦૧૯), વાયુ વાવાઝોડું (૧૩ જૂન, ૨૦૧૯), સાગર વાવાઝોડું ( ૧૭મે, ૨૦૧૮), ઓખી વાવાઝોડું ( ૪ ડિસેમ્બર, ૨૦૧૭), ચપાલા વાવાઝોડું (૩૧ ઓક્ટોબર, ૨૦૧૫), અશોબા વાવાઝોડું (૧૦ જૂન, ૨૦૧૫), નિલોફર વાવાઝોડું (૨૯ ઓક્ટોબર, ૨૦૧૪) અને નનૌક ચક્રવાત (૧૩ જૂન, ૨૦૧૪)નો સમાવેશ થાય છે. જયારે હવે છેલ્લા મહા વાવાઝોડાની આફત પણ લગભગ ટળી ગઇ છે, તેની પાછળ પણ લાખો-કરોડો શ્રદ્ધાળુ ભકતો સોમનાથ દાદાની કૃપા જ માની રહ્યા છે.

(8:35 pm IST)