Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

નેત્રંગના કંબોડીયા પાસે અકસ્માત બાદ કારમાં આગ લાગતાં બળીને ખાખ

પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો નથી : કાર ચાલાક કે માલિકનો કોઈ પતો નથી

નેત્રંગના કંબોડીયા ગામના પાટીયા પાસે સ્કોડા-રેપીડ કાર ઝાડ સાથે અથડાતાં બળીને ખાખ થઈ ગઈ હતી. સવારના સમયે કાર ઝાડ સાથે અથડાતા શોટૅ-સકિૅટ થવાથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ૧૦૮ને જાણ થતાં તે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ચાસવડ રોડ ઉપર કંબોડીયા ગામના પાટીયા પાસેથી સવારના પાંચ વાગ્યાની આસપાસ એક સ્કોડા-રેપીડ ગાડી નેત્રંગ તરફની પસાર થઈ રહી હતી. જે દરમિયાન વાહનચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવા કે કોઈ અજાણ્યા કારણોસર રોડના સમાંતર જ આવેલા ઝાડમાં કાર અથડાઇ હતી. જેથી ગાડીમાં શોટૅ-સકિૅટ થવાથી એકાએક આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે કાર ચાલક સમયસર ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું હતું. જ્યારે કારમાં આગ લાગ્યાનું માલુમ પડતાં ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.

લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતાં ઘટનાસ્થળ ઉપર તાત્કાલિક ધોરણે પહોંચી હતી. જ્યારે કારની ચારેય તરફ વાહનચાલકની તપાસ કરતાં કોઈ મળી આવ્યું નહોતું. જેમાં સ્કોડા-રેપીડના વાહનચાલક અને માલિકનો કોઇ અતોપતો જાણવા મળ્યો નથી. આ બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરતાં કોઇપણ પ્રકારનો ગુનો દાખલ નહીં થયો હોવાનું જાણવા મળ્યું છે.

(11:18 pm IST)