Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગાંધીધામમાં આર્થિક ભીંસથી કંટાળીને વ્યાપારીએ દુકાનમાં જ ગળે ફાંસો ખાધો

ત્રણ દિવસ પહેલાં જ ભુજમાં વ્યાપારી દંપતીએ આર્થિક ભીંસના કારણે આત્મહત્યા કરી હતી, ત્યાં જ આ બીજો બનાવ બનતા વ્યાપારી આલમમાં શોક અને ચિંતા

ભુજ,તા.૩: ગાંધીધામની મુખ્ય બજાર માં દુકાન ધરાવતા વ્યાપારીએ દુકાનમાં જ કરેલા આપદ્યાતના બનાવે ચકચાર સર્જી છે. ગાંધીધામના અપનાનગરમાં રહેતા અને શહેરની મુખ્ય બજારમાં આઝાદ સ્ટેશનરી નામનીની દુકાન ધરાવતા ૫૩ વર્ષીય વ્યાપારી દિલીપ મંગારામ પરિયાણીએ પોતાની દુકાનમાં જ ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. હતભાગી વ્યાપારીએ આર્થિક મુશ્કેલીના કારણે આપદ્યાત કર્યો હોવાનું જાણવા મળે છે. ગાંધીધામ વ્યાપારી મંડળના પ્રમુખ રાજુભાઇ ચંદનાનીએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલાં જ મૃતક વ્યાપારી દિલીપભાઈ તેમને મળ્યા હતા અને ધંધામાં મંદી હોવાનું જણાવ્યું હતું. જોકે, મૃતક વ્યાપારી દિલીપભાઈ આર્થિક સદ્ઘર હોવાનો ખુલાસો તેમણે કર્યો હતો.

બજારના સાથી વ્યાપારીની આત્મહત્યાને પગલે ગાંધીધામની વ્યાપારી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, બે દિવસ પહેલાં જ ભુજમાં વ્યાપારી દંપતીએ સજોડે આત્મહત્યા કરી લીધી હતી. વ્યાપારી આલમમાં મંદી અને આર્થિક ભીંસની તાણ તીવ્ર બની રહી છે, જે હકીકત ચિંતાજનક છે.

(3:18 pm IST)