Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કેશોદનાં કાલવાણી ગામે બંધ મકાનનાં તાળા તોડી રૂ.૩.૫૬ લાખની મત્તાની ચોરી

૧૦ દિવસ બંધ રહેતા ઘરમાં તસ્કરોનો તરખાટ

 જુનાગઢ તા.૩: કેશોદના કાલવાણી ગામે બંધ મકાનના તાળા તોડી તસ્કરો રૂ.૩.૫૬ લાખની માલ મતા ચોરીને નાસી જતા સનસની મચી ગઇ હતી.

કેશોદ તાલુકાના કાલાવાણી ગામે મેઇન બજારમાં રહેતા મીનાબેન લલીતભાઇ ચૌહાણ (ઉ.વ.૪૭) તેમના પરિવાર સાથે ગત તા.૨૧,૯ના રોજ મકાનને તાળા લગાવી જેતપુર અને રાજકોટ ખાતે ગયા હતા.

ત્યારે તા.૧/૧૦ સુધી ૧૦ દિવસ બંધ રહેલા મકાનના તાળા તોડી અને કબાટની તિજોરીનો પણ લોક તોડી તેમાંથી સોનાનું પેન્ડલ,વીટી,સોનાનો સેટ, સોનાનો પેન્ડલ સહિતનો ચેન વગેરે મળી કુલ રૂ.૩,૫૬,૧૧૧ની કિંમતના સોનાના દાગીના ચોરીને તસ્કરો પલાયન થઇ ગયા હતા.

મંગળવારે સાંજે મહિલા અને તેનો પરિવાર બહારગામની પરત આવતા તસ્કરો ઘરમાં મહેમાન થયા હોવાનું જણાતા તેમના હોશ ઉડી ગયા હતા.

આ અંગેની જાણ થતા કેશોદ પોલીસે તુરત દોડી જઇને કાર્યવાહી હાથ ધરી હતી. ગઇકાલે બપોરે મીનાબેન ચૌહાણની ફરિયાદ લઇ પી.આઇ.ડી.જે.ઝાલાએ આગળની તપાસ હાથ ધરી હતી.

(12:04 pm IST)