Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

બામણબોર વાડી વિસ્તારના ૧૫૦૦ લોકો જીવના જોખમે નદી ઓળંગે છેઃ પુલ બનાવવાની વર્ષો જુની માંગણી અધ્ધરતાલ

ગામ હવે રાજકોટ જીલ્લામાં ભળ્યું હોઇ તંત્ર તાકીદે લોકોની સમસ્યાને વાચા આપે તેવી લાગણી અને માંગણી

રાજકોટઃ ભારે વરસાદ થાય ત્યારે રાજકોટ જીલ્લાના બામણબોરના વાડી વિસ્તારના લોકો હેરાન પરેશાન થઇ જાય છે. અહિનો ડોસલીધૂના ડેમ ઓવર ફલો થઇ જવાથી રસ્તો બંધ થઇ જાય છે. લોકોને ફરજીયાત જોખમ ખેડી નદીમાંથી પસાર થઇ રોજીંદા કામો માટે અવર-જવર કરવી પડે છે. વાડી વિસ્તારમાં ત્રણ નંબરની નિશાળ આવેલી હોઇ ત્યાં રાજકોટના શિક્ષકો અપડાઉન કરતાં હોઇ તેમને તથા છાત્રોને પણ ફરજીયાત બે નદી ભેગી થતી હોઇ તેમાંથી થઇને નિશાળે પહોંચવું પડે છે. બામણબોર વિસ્તારના ૧૫૦૦ની વધુ લોકો વાડી વિસ્તારમાં રહેતાં હોઇ દર વર્ષે ચોમાસામાં જોખમ સર્જાય છે. આ વખતે ખુબ વધુ વરસાદ વરસ્યો હોઇ છેલ્લે તો ચાર દિવસ સુધી સીમશાળા બંધ રાખવાની ફરજ પડી હતી. અમુક છોકરા-છોકરીઓ કુવાડવા ચોટીલા ભણવા જતાં હોઇ તેમને નદીઓમાં બે કાંઠે પાણી ભારે પ્રવાહથી વહેતું હોઇ તેવા સમયે કાં તો જીવ જોખમમાં મુકી નદીમાંથી પસાર થઇને જવું પડે છે કાં તો રજા રાખી ઘરે રહેવું પડે છે. નદીમાં પાણી હોય ત્યારે માલધારીઓ દુધ પહોંચાડવા પણ ગામમાં આવી શકતા નથી. અગાઉ બામણબોર સુરેન્દ્રનગર જીલ્લામાં હતું ત્યારે ધારાસભ્યો, સાંસદ, સચિવ અને મંત્રીશ્રીઓને લેખીત-મોૈખીક અનેક રજૂઆત કરી હતી. પરંતુ પુલ બનાવવા માટે કોઇ ગંભીરતા લેવામાં આવી નથી. હવે રાજકોટ જીલ્લામાં બામણબોરને ભેળવી દેવામાં આવ્યું હોઇ પુલનું કામ તાકીદે પુરૂ કરવામાં આવે અને ગામલોકોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માંગણી છે. જીલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, ડીડીઓ આ ગામની મુલાકાત લઇ લોકોની સમસ્યાને વાચા આપે તેવી માંગણી છે.  તસ્વીરોમાં ગામલોકો, છાત્રો કઇ રીતે જીવના જોખમે નદીમાંથી અવર-જવર કરવા મજબૂર થાય છે તે દ્રશ્યો જોઇ શકાય છે. બામણબોરના જાગૃત નાગરિક બાબુભાઇ ડાભીએ તસ્વીરો મોકલી હતી અને ગ્રામજનોની મુશિબતને વાચા આપવા પ્રયાસ કર્યો હતો.

(11:55 am IST)