Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વડાળીમાં ફોલ્ટને લીધે અઠવાડીયાથી અંધારાઃ ખેડૂતોનો ત્રંબા પીજીવીસીએલ ફોલ્ટ સેન્ટર ખાતે ઘેરાવઃ પ્રશ્ન ઉકેલાયો

ડે. ઇજનેર દિનાબેન રાવલે તાકીદે સ્ટાફને મોકલી ફોલ્ટ દૂર કરાવ્યો

રાજકોટઃ ત્રંબાના વડાળી ગામના ખેડૂતોને આઠ દિવસથી વાડી વિસ્તારમાં વિજળી મળતી ન હોઇ ખેડૂતોમાં ભારે રોષ ફેલાઇ ગયો હતો. વિજળી ન મળવાનું કારણ વિજકાપ નહોતો, પરંતુ લાઇનનો ફોલ્ટ જવાબદાર હતો. કોલ સેન્ટરમાં સતત ફોન કરવા છતાં ફોન રિસીવ થતો ન હોઇ ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા હતાં. વરસાદે વિરામ લીધો હોઇ ખેડૂતોને ખેતરમાં પાણી માટે તથા માલઢોર માટે તેમજ પીવાના પાણી માટે વિજળીની જરૂરીયાત હોય છે. પરંતુ અઠવાડીયાથી લાઇટ ન હોઇ અંતે ખેડૂતો ત્રંબા પીજીવીસીએલની પેટા વિભાગ કચેરીના ફોલ્ટ સેન્ટરે ફરિયાદ કરવા પહોંચ્યા હતાં અને ઘેરાવ કરી સુત્રોચ્ચાર કર્યો હતો. ગાંધી જયંતિની રજા હોઇ ડે. ઇજનેર દિનાબેન રાવલ રજા પર હોઇ તેમ છતાં તેમણે તાકીદે ફોલ્ટ રિપેર કરવા માટે કર્મચારીઓને મોકલ્યા હતાં. ફોલ્ટ સેન્ટરના ફોન શા માટે રિસિવ નથી થતાં? તે અંગે તપાસ જરૂરી છે. ફોન જોડાતો ન હોઇ રૂબરૂ ફરિયાદો માટે આવવું પડે છે. ત્રંબાથી જી.એન. જાદવે વિગતો સાથે તસ્વીર મોકલી હતી.

(11:53 am IST)