Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વડાળી - વિસોત માતાજીના મંદિરે રવિવારે હવન

ચંડ-મુંડના વધ બાદ ચામુંડા માતાએ અહિં વિસામો લીધેલો તેથી વિસોત કહેવાયા : દુર્ગાષ્ટમીએ નવચંડી યજ્ઞ : બટુક ભોજન - મહાપ્રસાદના આયોજનો : પૂજારી કાંતિભાઈ 'અકિલા'ની મુલાકાતે : ભાવિકોને દર્શન - પ્રસાદનો લાભ લેવા આમંત્રણ

રાજકોટ, તા. ૩ : શકિતની સાધનાનું મહાપર્વ નવરાત્રી મહોત્સવ ચાલે છે. ભાવિકો ભાવવિભોર બનીને જગદમ્બાને પ્રસન્ન કરવા અનુષ્ઠાનો કરે છે. શકિતના સ્થાનકોએ દર્શન - પૂજન માટે ભીડ જામી છે. અગણિત ભાવિકોની આસ્થાના સ્થાન વિસોત માતાજીના ડુંગરે નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. વડાળી ગામે વાયા ત્રંબા ખાતે ડુંગરા પર માતાજી પ્રાચીન કાળથી બિરાજે છે.

આ સ્થાનકે દુર્ગાષ્ટમી રવિવારે તા.૬ ઓકટોબરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. મંદિરના પૂજારી કાંતિલાલ 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે આઠમના પવિત્ર દિને પરંપરા પ્રમાણે હવનનું આયોજન કરવામાં આવ્યુ છે. રવિવારે સવારે આઠ વાગ્યે હવનનો પ્રારંભ થશે અને બપોરે ૧:૩૦ વાગ્યા બાદ શુભ ચોઘડીયે બીડુ હોમાશે.

આ મંગલ પ્રસંગે બપોરે ૧૧:૩૦ વાગ્યે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યુ છે. બાદમાં તમામ ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે. ભાવિકોને દર્શન - મહાપ્રસાદનો લાભ લેવા કાંતિભાઈએ આમંત્રણ આપ્યુ છે.

આ પ્રાચીન સ્થાનકના મહંત પૂ.રઘુરામબાપુ હતા. વિસોત માતાજીના સ્વરૂપ અંગે કાંતિભાઈ કહે છે કે આ મહાશકિતનું જ રૂપ છે. ચંડ - મુંડ નામક રાક્ષસોના વધ કર્યા બાદ ચામુંડા માતાજીએ આ ડુંગરે વિસામો લીધો હતો, તેથી તેઓ વિસોત તરીકે ઓળખાય છે. આ માતાજી વિવિધ જ્ઞાતિ - સમાજના કુળદેવી છે. ગણાત્રા, ખખ્ખર, કારીયા, જાડેજા, ટાંક, ગોહેલ, પરમાર, કુકડીયા, ખત્રી, જાજલ - જોગી, બગડીયા, વિછી, મુછડા, ખખ્ખર, સુરાણી, કાનાણી, ભોજાણી, મુલીયાણા, વાગડીયા, ચૌહાણ, મકવાણા તથા લોહાણા, ભીલ, આહિર સમાજની અનેક જ્ઞાતિઓના કુળદેવી છે. તમામ વર્ણોના પરિવારોના કુળદેવી તરીકે વિસોત માતાજી સ્થાપિત છે.

દુર્ગાષ્ટમીએ હવન - દર્શન - પ્રસાદનો લાભ લેવા આમંત્રણ આપ્યુ છે. વધારે વિગતો માટે કાંતિભાઈ મો.૯૯૧૩૧ ૩૧૭૨૮નો સંપર્ક થઈ શકે છે.

(11:36 am IST)