Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જામનગરમાં ધોરાજીની મહિલાનો સ્વાઈન ફલુએ ભોગ લીધોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં મૃત્યુઆંક ૧૮

ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન વચ્ચેની ઋતુમાં રોગચાળો પ્રસરી જતા લોકોમાં ચિંતા

રાજકોટ, તા. ૩ :. ચોમાસાની વિદાય બાદ હવે શિયાળાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે તેવા સમયે સર્જાયેલ મિશ્ર ઋતુના કારણે રોગચાળો પ્રસર્યો છે. શરદી, ઉધરસ, તાવની સાથો સાથ સ્વાઈન ફલુએ પણ પોતાનો ફુંફાળો પ્રસરાવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઈન ફલુએ ૧૮ વ્યકિતઓનો અત્યાર સુધીમાં ભોગ લીધો છે.

રાજકોટની હોસ્પીટલમાં સ્વાઈન ફલુ વોર્ડમાં સૌરાષ્ટ્રમાંથી સ્વાઈન ફલુના દર્દીઓના સારવાર માટે આવે છે. જેમાં અત્યાર સુધીમાં સૂત્રાપાડા પંથકની ૩૫ વર્ષીય મહિલાના મોત સાથે કુલ ૧૦ વ્યકિતઓનો સ્વાઈન ફલુએ ભોગ લીધો છે.

જ્યારે આજે ભાવનગરમાં વૃદ્ધ મહિલાનું મોત થતા ભાવનગર જિલ્લામાં સ્વાઈન ફલુએ ૬ વ્યકિતનો ભોગ લીધો છે. જ્યારે ૩ પોઝીટીવ કેસ સાથે ૨૦ દર્દીઓ ભાવનગરની હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યા છે.

જામનગરમાં પણ સ્વાઈન ફલુની સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખાસ વોર્ડ રાખવામાં આવ્યો છે. જેમાં આજે ધોરાજીના ૬૦ વર્ષીય વૃદ્ધ મહિલાએ દમ તોડતા જામનગરમાં સ્વાઈન ફલુએ પ્રથમ ભોગ લીધો છે.

કચ્છમાં પણ સ્વાઈન ફલુથી એક વ્યકિતનું મોત નિપજ્યુ છે. આવી રીતે સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીમાં સ્વાઈન ફલુએ ૧૮ વ્યકિતઓનો ભોગ લેવાતા ભારે ચિંતા પ્રસરી ગઈ છે.(૨-૧૯)

(4:23 pm IST)