Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

રાજકોટના રવિએ ગોંડલના વેજાગામમાં કોૈટુંબીક ભાઇ જામનગરના મનિષ સાથે ઝરી દવા પી લીધી

મનિષે ચોરાઉ પૈસા રવિને સાચવવા આપ્યાનો ખોટો આરોપ મુકયો'તોઃ તે ગઇકાલે વેજાગામ આવતાં રવિ તેને મળવા ગયો અને ઝઘડો થયોઃ મનિષે દવા પીવાનું નાટક કર્યુઃ રવિએ ગભરાઇને વધુ ઘુંટડા ભરી લીધાઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૩: ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં અને ભંગારનો ધંધો કરતાં વણકર યુવાન રવિ જીવણભાઇ મહિડા અને જામનગરથી આવેલા તેના કોૈટુંબીક કાકાના દિકરા મનિષ છગનભાઇ મહિડા (ઉ.૧૮)એ ગોંડલના વેજાગામમાં ઝેર પી લેતાં બંનેને રાજકોટ ખસેડાયા હતાં. અહિ મનિષને રજા અપાઇ હતી, જ્યારે રવિને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. મનિષે ચોરાઉ પૈસા રવિને સાચવવા આપ્યાનો ખોટો આરોપ મુકતાં બંને વચ્ચે ઝઘડો થયા બાદ મનિષે થોડુ ઝેર પીવાનું નાટક કરતાં ગભરાઇને રવિએ વધુ ઝેર પી લીધું હતું.

રવિ અને મનિષે ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે વેજાગામના બસ સ્ટેશન પાસે ઝેર પી લેતાં રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતાં. આ અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. સાંજે મનિષને રજા અપાઇ હતી જ્યારે રવિને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. રવિ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ છે અને સંતાનમાં એક પુત્ર છે. તેના ભાઇના કહેવા મુજબ મનિષ જામનગર રહે છે તેણે તેના મામાના ઘરમાંથી ચોરાયેલા પૈસા રવિને સાચવવા આપ્યાનો ખોટો આરોપ મુકયો હોઇ મનિષના પિતા રવિને ફોન કરી જેમ તેમ બોલતાં હતાં.

ગઇકાલે મનિષ તેના વતન વેજાગામ આવ્યાની જાણ થતાં રવિ તેને મળવા ત્યાં ગયો હતો અને તેના પિતા પોતાને કારણ વગર જેમતેમ બોલતા હોવાની વાત કરી હતી અને પોતાની પાસે કોઇ પૈસા નથી તેની સ્પષ્ટતા પિતા છગનભાઇ સમક્ષ કરી દેવા મનિષને વિનંતી કરી હતી. આ બાબતે બંને વચ્ચે ચડભડ થતાં મનિષે દવાની બોટલ કાઢી મોઢે અડાડી દીધી હતી. આથી ગભરાઇને રવિએ વધુ ઘુંટડા ભરી લીધા હતાં. તેમ રવિના ભાઇએ જણાવતાં ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રવિ સારવાર હેઠળ છે. (૧૪.૫)

(12:07 pm IST)