Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જુનાગઢમાં મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા કૃષિ મેળામાં ૮૦૦ ખેડૂતો જોડાયા

જૂનાગઢ તા.૦૩, જૂનાગઢ શહેરનાં ઈવનગર રોડ પર આવેલ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા આઇ.સી.એ.આર મગફળી સંશોધન નિર્દેશાલય જૂનાગઢ ખાતે કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયુ હતુ. એન.આર.સી.જીનાં જૂના નામે ઓળખાતી જૂનાગઢ સ્થિત મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા યોજાયેલ આ મેળામાં ગુજરાત રાજયનાં વિવિધ જિલ્લાઓમાંથી ૮૦૦ થી વધુ ખેડુતો  સહભાગી બન્યા હતા.

કૃષિ મેળાનો મુખ્ય હેતુ સમજાવતા ડો. રાધાકૃષ્ણને જણાવ્યુ હતુ કે મગફળીનું ઉત્પાદન વધારવા વિવિધ સુધારેલ પધ્ધતિઓ, ખેડુતોને મગફળીમાં શ્રેષ્ઠ વ્યવસ્થાપન પધ્ધતિઓ અપનાવવા અને તેમની ખેતી પધ્ધતિમાં નવીન વિચારો રજુ કરવા માટે શિક્ષિત કરવા કૃષિ મેળો યોજાયો છે.

આ મેળામાં રાજયનાં વિવિધ પ્રાંતમાં થતી મગફળીનાં શ્રેષ્ઠ આવિશ્કારો અને મગફળીનાં નમુનાઓનું પ્રદર્શન ખેડુતો માટે પ્રેરણારૂપ બની રહ્યુ છે. કૃષિ મેળા દરમ્યાન વૈજ્ઞાનિકો ખેડુતોની ક્રિયા પ્રતિક્રિયા એટલે કે વિચાર ગોષ્ઠી તેમજ ખેડુતો દ્વારા અપનાવાયેલ નવી તકનીકોનું પ્રદૃશન તેમજ તેની સ્પર્ધા પણ ગોઠવવામાં આવેલ અને વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવ્યા હતા.

આ કાર્યશાળા બાદ ખેડુતોને પ્રાયોગિક ક્ષેત્રોમાં જાત માહિતી માટે લઇ જવામાં આવ્યા હતા. જયાં ખેડુતોએ મગફળી પર થઇ રહેલા સંશોધનો બાબતે કૃષિ વૈજ્ઞાનીકો પાસેથી માહિતી મેળવી હતી. આ તકે નિયામક ડો. રાધાકૃષ્ણને જણાવ્યુ હતુ કે મગફળીનાં પાક સંદર્ભે જો કોઇ ખેડુતને માર્ગદર્શન કે માહિતીની આવશ્યકતા જણાય તો ઈવનગર સ્થિત મગફળી સંશોધન નિર્દેશાલય ખાતેથી માહિતી મેળવી શકાશે.(૨૨.૪)

(12:06 pm IST)