Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

૩૩ મોરની હત્યાના મામલે રાપરમાં જનઆક્રોશ-૧૪ ગામો બંધઃ ગાયક બાબુ આહીરની આત્મવિલોપનની ચીમકી

ભુજ, તા.૩: ગાગોદર ગામે એક સાથે ૩૪ મોરની હત્યાના બનેલા બનાવ બાદ ગુનેગારો નહીં ઝડપાતા રાપર પથકમાં ભારે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. આજે ગાગોદર પથકના ૧૪ ગામોએ બંધ પાળ્યો છે તેની સાથે જ રેલી ધરણા દ્વારા પોતાનો વિરોધ વ્યકત કરી મોરના હત્યારાઓને ઝડપી પાડવાની ઉગ્ર માંગ કરી છે. રાજબાઈધામ પાસે થયેલ ૩૩ મોરની હત્યાના પગલે સાંસદ વિનોદ ચાવડા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ સંદર્ભે કસુરવારોને ઝડપવા વનતંત્રને તાકીદ કરી હતી. જોકે, રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા હજી અહીં આવ્યા ન હોઈ લોકો તેમના સામે ગુસ્સો વ્યકત કરી રહ્યા છે. ૩૩ મોરની હત્યાને પગલે દુઃખી થયેલા ગામના એક જીવદયા પ્રેમીએ ગુનેગારો વિશે માહિતી આપનારને ૨ લાખનું ઇનામ પણ જાહેર કર્યું છે. દરમ્યાન વાગડ વિસ્તારના લોકપ્રિય ગાયક બાબુ આહિરે મોરના હત્યારાઓ જો નહીં ઝડપાય તો પોતે ગાગોદર નેશનલ હાઈવડ ઉપર જાહેરમાં આત્મવિલોપન કરશે એવી ચીમકી પણ આપી છે. જોકે, કચ્છનું વનતંત્ર પશુ, પક્ષીઓના શિકાર ના મામલે સુસ્ત હોય એવું લાગી રહ્યું છે, આથી અગાઉ પણ શિકાર અને હત્યા ના મામલે કચ્છ ના વનવિભાગ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન કરતા શિકારીઓ બેખોફ છે.(૨૨.૮)

(11:56 am IST)