Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રાજકોટ તાલુકાની સૌથી મોટી મંડળીમાં જાડેજા-ઢાંકેચાનું વર્ચસ્વ અકબંધ

સરધાર સહકારી મંડળીમાં વટભેર બહુમતી મેળવી ફરી સુકાન સંભાળતા હરદેવસિંહ

સરધાર સહકારી મંડળીમાં બારેબાર ગામમાં સરસાઇ સાથે તમામ ૨૦ બેઠકો પર વિજેતા થયેલા હરદેવસિંહ જાડેજા અને નીતિન ઢાંકેચાએ ગઇ કાલે ફરી મંડળીનું સુકાન સંભાળેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ,તા. ૩ : શ્રી સરધાર જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની ચૂંટણીમાં તમામ બેઠક જંગી બહુમતીથી જીતી હરદેવસિંહ જાડેજા અને નીતિન ઢાંકેચાની ટીમે ઇતિહાસ સર્જયો છે. મંડળીના પ્રમુખ તરીકે વધુ ૫ વર્ષ માટે હરદેવસિંહ જાડેજા (રાજસમઢીયાળા)ની બિનહરિફ વરણી થઇ છે. મંડળી દ્વારા વધુ લોકપયોગી આયોજનો વિચારાધીન છે.

શ્રી સરધાર જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી., સરધાર તાલુકો-જિલ્લો રાજકોટની સ્થાપના તા. ૧૮/૫/૧૯૫૫ના રોજ થયેલ છે. મંડળીને ૬૬ વર્ષ થયા છે. મંડળીની સ્થાપના શ્રી રાઘવભાઇ માંડણભાઇ ભરવાડએ કરેલ છે. વર્ષ ૧૯૯૧થી એટલે કે છેલ્લા ૩૦ વર્ષથી સર્વાનુમતે મંડળીના પ્રમુખ તરીકે શ્રી હરદેવસિંહ બી. જાડેજા કાર્યરત છે. મંડળીમાં જુગલબંધી કે જોડી જે કહીએ તેમ શ્રી હરદેવસિંહ બી. જાડેજા અને શ્રી નીતિનભાઇ પી. ઢાકેચા સંયુકત રીતે મંડળીની પ્રગતિમાં ઓતપ્રોત થઇને છેલ્લા ૩૦ વર્ષથી સેવા આપી રહેલ છે. આજ રીતે મંડળીમાં મંત્રી -મેનેજર તરીકે ઘણા વર્ષોથી શ્રી ધર્મરાજસિંહ જાડેજા પોતાની સેવા આપી રહેલ છે.

મંડળીમાં હાલ ધિરાણ લેતા સભાસદની કુલ સંખ્યા ૨,૯૪૭ છે. મંડળીનું ખેડૂત સભાસદનું શેર ભંડોળ રૂ. ૮૫,૬૪,૨૦૦-૦૦ છે. મંડળીના અન્ય ભંડોળો રૂ. ૭,૮૫,૬૫,૧૩૨-૦૦૦ જેવા છે. મંડળીએ અન્ય સહકારી સંસ્થાઓમાં શેરમાં કરેલ રોકાણ સામે મંડળીને વાર્ષિક રૂ. ૨૧,૦૭,૭૮૫-૦૦ જેવી ડીવીડન્ડની આવક થાય છે. મંડળીની વ્યાજ અન્ય વાર્ષિક આવક રૂ. ૩,૭૪,૮૯,૯૧૭-૦૦ જેવી છે. મંડળી ખેત ધિરાણ અને વિવિધ પ્રકારના ધિરાણો કરે છે. આ રીતે હાલ મંડળીએ રૂ. ૪૪ કરોડના ધિરાણ કરેલ છે. આ ધિરાણો સામે વસુલાત પણ સમયસર કરીને મંડળી પોતાની એક આગવી પ્રતિભા ધરાવે છે. મંડળીમાં ખેડૂતોનો જે શેર ફાળો છે. તેની સામે મંડળી વર્ષોથી શેર સભ્યોને વાર્ષિક ૧૫ ટકા મુજબ ડિવિડન્ટ ચુકવે છે. ડીવીડન્ડની હાલની રકમ રૂ. ૧૨,૫૦,૦૦૦-૦૦ આસપાસ થવા જાય છે. મંડળી સરધાર ખાતે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લી (આઇઓસી) માન્ય પેટ્રોલ પંપ વેંચાણ કરે છે. આ ઉપરાંત મંડળી તમામ પ્રકારના રાસાયણીક ખાતરો, જંતુનાશક દવાઓ, બિયારણો, જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિગેરે મંડળીના સરધાર અને માર્કેટ યાર્ડ, રાજકોટ ડેપો ખાતેથી વેચાણ કરે છે.

સારી કામગીરીમાં સો વિધ્નો એમ આ ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન રાજકીય મુદ્દા બનાવી વિરોધીઓએ છેલ્લા ૩૦ વર્ષથી બીન હરીફ થતી વ્યવસ્થાપક કમીટીની પ્રણાલી તોડીને મંડળીમાં ચૂંટણી કરવી પડે તેવો માહોલ ઉભો કરતા મંડળીએ ના છુટકે કરવી પડેલ છે. આ ચૂંટણીમાં એક તરફ વર્તમાન પ્રમુખશ્રી અને તેની ટીમ અને સામે પક્ષે ધુરંધરોની ફોજ ઉતરેલ, છતાં પણ મંડળીના મતદાર ખેડૂતભાઇઓએ શ્રી હરદેવસિંહ જાડેજા અને નીતિન ઢાંકેચાની મંડળીમાં છેલ્લા ૩૦ વર્ષની કામગીરીને ધ્યાને લઇને લગભગ ૫૦૦ મત આસપાસની જંગી બહુમતીથી ટીમને વિજયી બનાવી છે.

નવી ચૂંટાયેલ વ્યવસ્થાપક કમીટીમાં સર્વશ્રી હરદેવસિંહ જાડેજા, નિતીનભાઇ ઢાંકેચા, સંજયભાઇ ટીંબડીયા, દિલીપભાઇ ઢાંકેચા, હિતેશભાઇ ચાચડીયા, શૈલેષભાઇ વસોયા, શ્રીમતિ મંજુલાબેન રાણીપા, ભાવેશભાઇ વસોયા, હરેશભાઇ સાવલીયા, શ્રીમતી લીલાબેન ખુંટ, વલ્લભભાઇ ખુંટ, ભરતભાઇ મકવાણા, ગીધાભાઇ મેર, ભાનુભાઇ જળુ, આંબાભાઇ મેવાસીયા, નરેન્દ્રસિંહ જાડેજા, પ્રાગજીભાઇ પોકળ, રમેશભાઇ સાકરીયા, શ્રી વનરાજભાઇ વાળા અને નારણભાઇ નાંગસ વિગેરે છે. આમ મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં ખેડૂત સભાસદોએ સાર્થક કરી શ્રી જાડેજા અને શ્રી ઢાંકેચાની ટીમને આગામી ૫ વર્ષ માટે મંડળીનું સુકાન સોંપીને સહકારી સુત્રને સાર્થક કરેલ છે. નવી ચૂટાયેલ વ્યવસ્થાપક કમિટીની મીટીંગ મળતા આગામી ૫ વર્ષ માટે પ્રમુખ તરીકે શ્રી હરદેવસિંહ જાડેજાની ફરીથી બીન હરીફ વરણી કરવામાં આવેલ છે.

(1:06 pm IST)