Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

આર્મીમેન અને તેના પરિવારજનોને માર મારવા મામલે બાંટવાનાં બે પોલીસકર્મી સસ્પેન્ડ

બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૩: આર્મીમેન અને તેના પરિવારજનોને માર મારવાના મામલે બાંટવા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સરપેન્ડ કરી અને અન્ય પોલીસકર્મી સામે ખાતાકીય તપાસનો આદેશ કર્યો હોવાનું જાણવા મળેલ છે.

માણાવદર તાલુકાના બાંટવા તાબેના પાદરડીમાં ગત તા. ર૯નાં પ્રેમલગ્નના મામલે સુલેહ શાંતી ભંગ થાય તેવી જાણ થતા બાંટવા પોલીસનો સ્ટાફ ત્યાં ગયો હતો. જયાં ૨૦થી રપ લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કરી સરકારી વાહનમાં તોડફોડ કરી હતી.

આ મામલે બાંટવા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં પોલીસે હુમલાના આરોપમાં રજા પર આવેલા આર્મીના જવાન કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાલા તેમજ તેના પરિવારના સભ્યોને બેરહેમી પૂર્વક મારમાર્યો હતો. આર્મીનાં સૈનિકને માર મારતો હોવાનો વિડિયો પણ વાઈરલ થયો હતો. આ મુદ્દે સૈનિકો તથા માજી સૈનિકોએ બાંટવા પોલીસ સ્ટેશને જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. અને આ મામલે એસ.પી.ને પણ ફરિયાદ કરી હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એસ.પી.રવિ તેજા વાસમ શેટ્ટીએ આર્મીના જવાન તેમજ અન્યને બેરહેમીથી માર મારવા બદલ બાંટવા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી રાજેશ પરબતભાઈ બંધીયા તથા ચેતન દેવશીભાઈ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે. તેમજ અન્ય પોલીસ કર્મીઓ સામે ખાતાકીય તપાસ કરવા અંગે આદેશ આપ્યો છે.

જયારે આ બનાવ અંગે જૂનાગઢ જિલ્લાના માજી સૈનિકોએ માજી સૈનિક સેવા ફાઉન્ડેશનની આગેવાનીમાં એસ.પી.ને આવેદનપત્ર આપી રજા પર આવેલા આર્મીના જવાનને મારમાર્યો છે. તે તમામ પોલીસ કર્મીઓને ડીસમીસ કરવામાં આવે. બાંટવા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં પણ માર મારવામાં આવ્યો છે. આથી ત્યાના સી.સી.ટી.વી.ની તપાસ કરવામાં આવે. જવાને કોઈ ગુનો કર્યો હોય તો તેની અટકાયત કરી નજીકના મિલીટરી સ્ટેશન પર બહેન્ડ ઓવર કરવો જોઈએ. આ મામલે ૨૪ કલાકમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો રાજયના સાડા ત્રણ લાખ માજી સૈનિકો અને વીર નારીઓ આંદોલન કરશે. તેવો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો.

(12:59 pm IST)