Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જસદણમાં પૂ. હરિરામબાપાના પ્રાગટય દિનની રવિવારે ઉજવણી

જલારામ મંદિરે સવારથી ધૂન-ભજન-કિર્તન હનુમાન ચાલીસા પાઠ મહાપ્રસાદ સહિત કાર્યક્રમોઃ તડામાર તૈયારી

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. ૩ :.. પૂ. હરિરામબાપાનો ૮૮મો પ્રાગટય દિન રવિવારે ઉજવવામાં આવશે.

પૂ. હરિરામબાપાનાં સેવકો દ્વારા બાપાનો પ્રાગટયદિન ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ પૂજય હરિરામબાપાનો ૮૮મો પ્રાગટય દિન રવિવારે ભાવભેર ઉજવાશે. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો દ્વારા પૂજય બાપાનાં સેવકો દ્વારા રવિવારે સવારથી જ જસદણ ખાતે ઉજવણી કરવામાં આવશે. આ નિમિતે જલારામ મંદિરે રવિવાર સવારથી જ ધૂન ભજન-કીર્તન હનુમાન ચાલીસાના પાઠ મહાપ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યો અંગે શહેરનાં જલારામ મંદિર ખાતે તડામાર તૈયારી થઇ રહી છે.

ભજન અને ભોજનને જેને જીવન મંત્ર બનાવેલો એવા સંત પૂ. હરિરામબાપા નાનપણથી જ તેમને દરિદ્ર નારાયણની સેવા અને ભુખ્યાઓને ભોજન કરાવવાનો જીવનમંત્ર બનાવી દીધો હતો. નાનપણમાં તેવો મહારાષ્ટ્રના નાગપુર ખાતે લોહાણા સમાજના ઘરે-ઘરેથી ટીફીન લઇ ભુખ્યાઓને ભોજન કરાવવા સાયકલ લઇને નીકળી પડતા હતાં. તેમની આ સેવા જોઇ નાગપુરના લોહાણા સમાજે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાવી આપી. પૂ. હરિરામ બાપાની સેવાઓને બળ આપ્યું હતું. આજે પણ નાગપુર ખાતે જલારામ મંદિર બંને ટાઇમ વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે.

પૂ. હરીરામબાપાના જન્મ સ્થળ જસદણમાં પણ પૂ. હરિરામ બાપાના સેવકો દ્વારા જલારામ મંદિરે અન્નક્ષેત્ર અને અખંડ રામધુન વર્ષોથી ચાલુ છે. પૂ. જલારામ બાપાના પત્ની વીરબાઇમાંના જન્મ સ્થળ આટકોટ ખાતે પણ હરિરામ બાપાના સેવકો દ્વારા આજે પણ અન્નક્ષેત્ર ચાલુ છે. જસદણ, નાગપુર અને આટકોટમાં ચાલતા અન્નક્ષેત્રમાં ભુખ્યાઓને ભોજન પ્રસાદ આપવામાં આવે છે.

(12:13 pm IST)